સમ્રાટ પૃથ્વીરાજનું બોક્સ ઓફિસમાં નબળું કલેક્શન
7 દિવસમાં કરી ફક્ત 55 કરોડની કમાણી
મેકર્સને આશા છે કે આ વીકમાં ફિલ્મ ચાલશે
સુપરસ્ટાર અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની સમ્રાટ પૃથ્વીરાજ બોક્સ ઓફિસ પર ધીમી ગતિએ ચાલી રહી છે. ફિલ્મની કમાણી સાત દિવસમાં ફક્ત 55 કરોડની આસપાસ પહોંચી છે. ત્યારે મેકર્સને આશા છે કે આ ફિલ્મ વીકેન્ડમાં સારી કમાણી કરશે. શુક્રવાર, સમ્રાટ પૃથ્વીરાજને હિન્દીમાં 3550 સ્ક્રીન્સ અને તમિલ અને તેલુગુમાં 200 સ્ક્રીન્સમાં રિલીઝ કરવામાં આવી છે. એડવાન્સ બુકિંગથી ફિલ્મે લગભગ 3.43 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત, ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને સૌપ્રથમ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરમુક્ત બનાવવામાં આવી હતી. આ પછી મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ તેમના રાજ્યમાં ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી હતી.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ પણ રાજ્યમાં ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવાની જાહેરાત કરી હતી. બાદમાં હવે ગુજરાત સરકારે પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી છે. છતાં હજુ આ ફિલ્મએ કોઈ સારી કમાણી કરી નથી.સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મએ પહેલા દિવસે 10.70 કરોડ, બીજા દિવસે 12.60 કરોડ, ત્રીજા દિવસે 16.10 કરોડ, ચોથા દિવસે 5 કરોડ, પાંચમા દિવસે 4.25 કરોડ, છઠ્ઠા દિવસે 3.60 કરોડની કમાણી કરી હતી. અત્યાર સુધી ફિલ્મનું કુલ કલેક્શન 55 કરોડ રૂપિયા થઈ ગયું છે. તો ઘણા સિનેમા ઘરોમાં દર્શકોની પાંખી હાજરીને કારણે ફિલ્મના ઘણા શો કેન્સલ થઈ રહ્યા છે.ફિલ્મમાં અક્ષય કુમાર સમ્રાટ પૃથ્વીરાજના રોલમાં છે જ્યારે તેની સાથે માનુષી છિલ્લર સાથીના રોલમાં જોવા મળી રહી છે. ફિલ્મમાં સોનુ સૂદ ચડ બરદાઈ અને સંજય દત્ત કાકા કાન્હાના રોલમાં છે. આ ફિલ્મમાં આશુતોષ રાણા અને માનવ વિજ પણ છે. આ ફિલ્મનું કુલ બજેટ 300 કરોડ છે.