બાળકો માટે ઇલેક્ટ્રીક સાઇકલ થઈ લોન્ચ
કાવાસાકી ભારતમાં આ સાઇકલ નહીં કરે લોન્ચ
આંતરરાષ્ટ્રીય બજારમાં કંપનીએ 1099 ડોલરમાં લોન્ચ કરી
સુપરબાઈક બનાવતી કંપની કાવાસાકીએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી છે. આ બાઈકને કંપનીએ બાળકોને ધ્યાનમાં રાખીને બનાવી છે. ત્રણ વર્ષથી લઈને આઠ વર્ષ સુધીના બાળકો આ બાઈક ચલાવી શકે છે. આ બાઈકને કંપનીએ ‘એલેક્ટ્રોડ’ નામ આપ્યું છે. કંપનીએ આ બાઈક પહેલીવાર સાઇકલ ચલાવતાં બાળકોને ધ્યાનમાં રાખીને બનાવી છે. આ ઇલેક્ટ્રિક બાઈકમાં ઘણાં સારાં ફીચર્સ આપવામાં આવ્યા છે. અહીં રેન્જની સાથે-સાથે આ ઇલેક્ટ્રિક બાઇકને અલગ-અલગ મોડમાં પણ ઓપરેટ કરી શકાય છે, જોકે કંપની આ બાઈકને ભારતમાં નહીં બનાવે.
કાવાસાકીએ આ ઇલેક્ટ્રિક બાઈકને હજુ સુધી ભારતમાં લોન્ચ કરી નથી, પરંતુ આશા રાખી શકાય છે કે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની વધતી માગને ધ્યાનમાં રાખીને કંપની ભવિષ્યમાં તેને ભારતમાં પણ લોન્ચ કરી શકે છે. ઈલેક્ટ્રિક કારનું લોન્ચિંગ તો આખી દુનિયામાં થઈ રહ્યું છે, પરંતુ ટુ-વ્હીલરના મામલે તે તેજી હજુ સુધી જોવા મળી નથી. કંપનીના આ લોન્ચિંગને જોતા કહી શકાય કે, આવનારા સમયમાં તે નાના પાયે ઈલેક્ટ્રિક વ્હીકલ પર કામ કરવા માટે તૈયાર છે.
કંપનીએ આ બાઈકને એલ્યુમિનિયમ ફ્રેમ સાથે લોન્ચ કરી છે. આ ઇલેક્ટ્રિક બાઈકમાં કોઇ સસ્પેન્શન નથી. તેમાં 16 ઇંચનું એલ્યુમિનિયમ વ્હીલ છે. તેમાં બેક ડિસ્ક બ્રેક્સ પણ છે. આ ઉપરાંત એડજેસ્ટેબલ બ્રેક લીવર પોઝિશન આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કંપનીએ 1099 ડોલરમાં લોન્ચ કરી છે. ભારતીય મૂલ્યમાં આ કિંમત 85,519 રૂપિયા છે.
આ નાની ઇલેક્ટ્રિક બાઈકમાં કંપનીએ 36V 5.1Ahની બેટરી લગાવી છે. એકવાર ફુલ ચાર્જ થયા બાદ આ ઇલેક્ટ્રિક બાઈક 2.5 કલાક સુધી ચાલી શકે છે. આ બાઈકમાં બેટરીથી પાછળનું વ્હીલ ચાલે છે. જો આ બાઈકની બેટરીને ફુલ ચાર્જ કરવા વિશે વાત કરીએ તો તેના માટે 2.5 કલાકનો સમય લાગે છે. તે ઘરેલું 5A સોકેટથી પણ ચાર્જ કરી શકાય છે. આ માટે જુદાં-જુદાં ચાર્જિંગ સેટઅપ રાખવાની જરૂર નથી. કંપનીનો દાવો છે કે, 500 વાર ચાર્જ થયા બાદ આ બાઈકની બેટરીની ચાર્જિગ કેપેસિટી ઘટીને 80 ટકા સુધી પહોંચી શકે.