- ઇલેક્ટ્રીક વાહન ચાર્જ કરવાના પોઈન્ટની અછત
- ઇલેક્ટ્રિક વ્હીકલનું વેંચાણ રોકેટ ગતિએ વધી રહ્યું છે
- ભારતમાં EV માટે 1215 જેટલા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન છે
ભારતમાં એક તરફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું વેંચાણ રોકેટ ગતિએ વધી રહ્યું છે ત્યારે તેનાથી વિપરીત ચાર્જિંગ સ્ટેશનના નેટવર્ક મામલે દેશ ઘણો જ પાછળ છે. લોકસભામાં 10 ફેબ્રુઆરી પૂછાયેલા એક સવાલના જવાબમાં પાવર મિનિસ્ટર આર.કે. સિંઘે જણાવ્યું હતું કે ભારતમાં EV માટે 1215 જેટલા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન છે. પરિવહન વિભાગના આંકડા મુજબ દેશભરમાં 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ નોંધાયેલા છે. આ હિસાબે જોઈએ તો 723 EV વચ્ચે 1 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન છે.
દેશના કુલ ચાર્જિંગ સ્ટેશનમાંથી 56% જેટલા સ્ટેશન દિલ્હી, તેલંગાણા, તમિલનાડુ, ઉત્તર પ્રદેશમાં આવેલા છે. જોકે, EV ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે પબ્લિક અને પ્રાઇવેટ મળીને 3000 જેટલા ચાર્જિંગ સ્ટેશન છે. લોકસભામાં જે આંકડા કરવામાં આવ્યા છે તે પ્રમાણે પબ્લિક પ્લેસમાં ચાર્જિંગ નેટવર્ક ઊભું કરવામાં સમગ્ર દેશમાં દિલ્હી સૌથી આગળ છે. સરકારના આંકડા બતાવે છે કે દિલ્હીમાં 313 ચાર્જિંગ સ્ટેશન આવેલા છે. કુલ ચાર્જિંગ નેટવર્કના 26% એકલા દિલ્હીમાં આવેલા છે. આ સિવાય તેલંગાણા, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ દેશના અન્ય રાજ્યો કરતાં વધુ EV ચાર્જિંગ સ્ટેશન આવેલા છે.
દેશમાં 13 રાજ્યો એવા છે જ્યાં 10થી ઓછા સ્ટેશન છે. આમાં પણ પૂર્વોત્તર અને નોર્થઇષ્ટમાં તો 2 અને 3 જેટલા જ ચાર્જિંગ સ્ટેશન છે. જમ્મુ કાશ્મીર, સિક્કિમ, અંદામાન નિકોબારમાં એક પણ ચાર્જિંગ સ્ટેશન નથી. પાવર જનરેશનના મામલે ગુજરાત દેશમાં ટોચના રાજ્યોમાં આવે છે. ટાટા મોટર્સની ઇલેક્ટ્રિક કાર પણ ગુજરાતમાં બને છે અને આ ઉપરાંત આવતા દિવસોમાં મહિન્દ્રા, મારુતિ પણ અહી EVનું ઉત્પાદન કરી શકે છે. આ સિવાય ઇલેક્ટ્રિક 2-વ્હીલરમાં પણ ગુજરાત અગ્રણી છે. પરિવહન વિભાગના આંકડા મુજબ ગુજરાતમાં 19,000થી વધુ ઇલેક્ટ્રિક વ્હીકલ છે પણ તેની સામે ચાર્જિંગ સ્ટેશન માત્ર 27 જ છે. જે સ્ટેશન છે તે મોટેભાગે અમદાવાદમાં અને અમુક મુંબઈ અમદાવાદ હાઇવે પર છે.