ઓલાની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) તરફથી નોટિસ મળી છે. તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની ઓલા ઈલેક્ટ્રિકને ગ્રાહક અધિકારોના કથિત ઉલ્લંઘન, ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને અયોગ્ય વેપાર પ્રથાઓ માટે કારણ બતાવો નોટિસ જારી કરી છે. ઓલા ઈલેક્ટ્રીકે મંગળવારે સ્ટોક એક્સચેન્જોને આપેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેને 7 ઓક્ટોબરે ઈમેલ દ્વારા CCPA કારણ બતાવો નોટિસ મળી હતી. તેમને 15 દિવસમાં નોટિસનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
કારણ બતાવો નોટીસ જારી
કંપનીના જણાવ્યા અનુસાર, CCPAએ ઉપભોક્તા અધિકારોના કથિત ઉલ્લંઘન, ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને અયોગ્ય વેપાર પ્રથાઓ માટે કારણ બતાવો નોટિસ જારી કરી છે. CCPA એ જણાવ્યું છે કે કંપની નિર્ધારિત સમયરેખામાં સંબંધિત દસ્તાવેજો સાથે ઓથોરિટીને જવાબ આપશે. ઓલાના સ્થાપક ભાવિશ અગ્રવાલ અને સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા વચ્ચે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કંપનીના ઈલેક્ટ્રિક સ્કૂટરની વેચાણ પછીની સેવાઓ અને ગુણવત્તાને લઈને બોલાચાલી થયા બાદ આ નોટિસ આવી છે. કામરાએ ઓલા ઈલેક્ટ્રિકના ગ્રાહકો દ્વારા સેલ્સ અને સર્વિસ પછીની સમસ્યાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે ગ્રાહક બાબતોના વિભાગના સત્તાવાર હેન્ડલને પણ ‘ટેગ’ કર્યું હતું.
શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો
તાજેતરના દિવસોમાં ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ વર્ષે ઓગસ્ટમાં ઓલા ઈલેક્ટ્રીક મોબિલિટીના શેર રૂ. 76ના ઈશ્યૂ ભાવે લિસ્ટ થયા હતા. આ પછી શેરનો ભાવ વધીને 157.4 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો. શેર આ સ્તરથી 43 ટકા ઘટ્યો છે. જોકે, આજે શેર લાંબા સમય બાદ 5 ટકાના વધારા સાથે રૂ.95.41 પર બંધ થયો હતો.