ભુજમાં આવેલા આ પ્લાન્ટમાં ટ્રાઈટન ઇલેક્ટ્રિક ટ્રક બનાવશે
બંધ પડેલા પ્લાન્ટને જૂન-જુલાઈ સુધીમાં શરૂ કરવાની યોજના
દિવાળી સુધીમાં ભારતનો પહેલો ઇલેક્ટ્રિક ટ્રક લોન્ચ થઈ જશે
થોડા સમય પહેલા અમેરિકન ગુજરાતી હિમાંશુ પટેલની કંપની ટ્રાઈટને ગુજરાતમાં ઇલેક્ટ્રિક ટ્રક બનાવવાની જાહેરાત કરી હતી. ટ્રકના ઉત્પાદન માટે કંપનીએ ફડચામાં ગયેલી એશિયા મોટર વર્કસ (AMW)ને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પાસેથી બિડિંગ કરીને ખરીદી લીધી છે. દિવ્ય ભાસ્કર સાથે અમેરિકાથી ટેલિફોનિક વાત કરતાં હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, દેવામાં ડૂબેલી AMWના ભુજ પ્લાન્ટને અમે બેન્કર્સ પાસેથી એક્વાયર કર્યો છે. આ પ્લાન્ટમાં શરૂઆતમાં અમે રૂ. 200 કરોડ અને બાદમાં રૂ. 300-400 કરોડનું રોકાણ કરીશું.હિમાંશુ પટેલે કહ્યું કે, AMWનો પ્લાન્ટ છેલ્લા 2-3 વર્ષથી બંધ હાલતમાં છે. હવે અમે તેણે એક્વાયર કર્યો છે ત્યારે તેને જૂનના અંત સુધીમાં અથવા જુલાઇ સુધીમાં ફરી શરૂ કરી દેવાનો અમારો પ્લાન છે.
આ સાથે જ પ્લાન્ટના તમામ પૂર્વ કર્મચારીઓને અમે ફરીથી નોકરી પર પણ રાખીશું. બેન્કોના કોન્સટોરિયમ પાસેથી NCLT મારફત ખરીદેલી આ કંપનીમાં અમે આગામી દિવસોમાં અંદાજે રૂ. 500-600 કરોડનું રોકાણ કરીશું. પ્લાન્ટના એકવિઝેશન માટે રૂ. 210 કરોડ રોકવામાં આવ્યા છે.અનિરુદ્ધ ભૂવાલકાએ 2002માં ગુજરાતમાં ભુજ નજીક એશિયા મોટર વર્ક્સ (AMW)ની સ્થાપના કરી હતી. AMWના આ પ્લાન્ટની વાર્ષિક 50,000 વાહનોનું ઉત્પાદન કરવાની ક્ષમતા હતી. કંપની ટ્રકની સાથે સાથે ટિપર્સ, ટ્રેક્ટર ટ્રેલર, માઇનિંગ ટ્રક, કોંક્રિટ મિક્સર ટ્રક વગેરેનું પણ ઉત્પાદન કરતી હતી. આ ટ્રક મુખ્યત્વે માઇનિંગ સેક્ટર્સમાં વધુ વપરાતા હતા. ખુબજ ટૂંક ગાળામાં AMWનો માર્કેટ શેર 25% જેવો થઈ ગયો હતો. જોકે 2012 પછી માઇનિંગમાં આવેલા પ્રતિબંધોના પગલે અને અપેક્ષા મુજબનું વેચાણ ન થવાથી કંપની ખોટ કરતી થઈ ગઈ હતી અને આખરે તેણે નાદારી નોંધાવી હતી.પટેલે જણાવ્યું કે, આ ટ્રકનો પ્રોટોટાઈપ અમેરિકામાં તૈયાર છે. અમે ત્યાં તેનું ટ્રાયલ રન પણ કરેલું છે જે સફળ રહ્યું હતું.
ભારતમાં પણ તેને લગતી મંજૂરીઓ મેળવી અને આ વર્ષે દિવાળી સુધીમાં ટ્રક લોન્ચ કરી દેવાની અમારી યોજના છે. પ્રારંભિક તબક્કે અમને દેશમાં જ રૂ. 25,000-30,000 કરોડનો બિઝનેસ મળવાની અપેક્ષા છે. અમારું ફોકસ શરૂના વર્ષોમાં ભારતીય માર્કેટ જ રહેશે. ત્યારબાદ અમે નિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું.ટ્રક મોટાભાગે હાઇવે પર વધુ રહેતા હોય છે. આ વાતને ધ્યાનમાં રાખી કંપની દેશભરમાં આશરે 2 લાખ જેટલા ચાર્જ પોઇન્ટનું નેટવર્ક પણ બનાવશે. હિમાંશુ પટેલે કહ્યું કે, નેટવર્ક ઉભું કરવા અમે અમારી પોતાની કેપેસિટીની સાથે સાથે અન્ય 15 જેટલા સર્વિસ પ્રોવાઇડર્સ સાથે પણ જોડાણ કર્યું છે. આમ કરવાથી નેટવર્ક ઝડપી રીતે બનશે. ટ્રકમાં જ એવી સગવડતા હશે કે બેટરી ઓછી થાય તો ડ્રાઈવરને નજીકના ચાર્જિંગ સ્ટેશનની માહિતી મળી રહેશે.