હેડ અપ ડિસ્પ્લે ફીચર સાથે 6 એરબેગ્સ મળશે
કિયા સોનેટ અને વેન્યુ સાથે ટક્કર લેશે
મારુતિ સુઝુકીએ આજે ન્યૂ બ્રેઝા 2022 લોન્ચ કરી
મારુતિ સુઝુકીએ આજે ન્યૂ બ્રેઝા 2022 લોન્ચ કરી છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 7.99 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ કારને 11 વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. તેના ઓટોમેટિક ટોપ વેરિયન્ટની કિંમત 13.96 લાખ રૂપિયા છે. ન્યૂ બ્રેઝા 2022નું પ્રી-બુકિંગ પહેલાંથી જ 11,000 રૂપિયામાં ઓનલાઈન અને ડીલરશીપ બંને પર શરુ થઈ ચૂક્યું છે. નવી બ્રેઝા ઈલેક્ટ્રિક નવા જમાનાની ટેક્નોલોજી અને કનેક્ટેડ ફીચર સાથે સનરૂફ જેવી સુવિધા સાથે આવશે.
મારુતિ બ્રેઝા ઘણાં હાઈટેક ફિચર્સ આપવાની તૈયારીમાં છે. તેમાં એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લેની સાથે 9.0 ઇંચની મોટી સ્માર્ટપ્લે પ્રો+ ટચસ્ક્રીન ઈન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ અને એપ સપોર્ટ દ્વારા 40થી વધુ કનેક્ટેડ ફંક્શન્સ મળશે. કેટલાંક અન્ય હાઈટેક ફીચર્સમાં ઇલેક્ટ્રિક સનરૂફ, હેડ-અપ ડિસ્પ્લે (HUD), 6 એરબેગ્સ, 360 ડિગ્રી પાર્કિંગ કેમેરાં સહિતની ઘણી બધી સુવિધાઓ મળશે.
આ SUVમાં નવી ડિઝાઇનવાળી ગ્રિલ, ટ્વીન-C આકારની LED સાથે નવી ઓલ-LED હેડલેમ્પ્સ, સ્કિડ પ્લેટ સાથે અપડેટેડ ફ્રન્ટ અને રિયર બમ્પર્સ, નવા ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ અને LED ટેલલેમ્પ્સ હશે. કંપની આ SUVને અનેક કલર સ્કીમમાં પણ લોન્ચ કરશે.
નવી મારુતિ સુઝુકી બ્રેઝામાં અપડેટેડ 1.5-લિટર નેચરલ-એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન હશે, જે XL6 અને અર્ટિગામાં પણ છે. આ મોટર 101 bhpનો પાવર અને 136.8 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને પેડલ શિફ્ટર્સ સાથે 6 સ્પીડ ટોર્ક-કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે જોડવામાં આવશે.નવી કોમ્પેક્ટ SUVનો મુકાબલો હ્યુન્ડાઇ વેન્યુ, કિયા સોનેટ, ટાટા નેક્સન, નિસાન મેગ્નાઇટ અને રેનોલ્ટ કાઈગર સાથે થશે.