સમગ્ર દેશ અને દુનિયા હાલ મોંઘવારીના વિષચક્રમાં કચડાઈ રહી છે
1 જૂન, 2022થી કારની વીમા કિંમતમાં વધારો થશે
કેન્દ્ર સરકારે બુધવારે થર્ડ પાર્ટી મોટર વાહન વીમાના પ્રીમિયમ દરમાં વધારો કર્યો છે
સમગ્ર દેશ અને દુનિયા હાલ મોંઘવારીના વિષચક્રમાં કચડાઈ રહી છે. ત્યારે ભારતમાં સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર પડવા જઈ રહ્યો છે. કાર સહિત અન્ય ડ્રાઇવરોનો ખર્ચ આગામી મહિનાથી વધી રહ્યો છે. 1 જૂન, 2022થી કારની વીમા કિંમતમાં વધારો થશે એટલે કે મોટર ઇન્સ્યોરન્સના પ્રીમિયમ વધી રહ્યાં છે. કેન્દ્ર સરકારે બુધવારે થર્ડ પાર્ટી મોટર વાહન વીમાના પ્રીમિયમ દરમાં વધારો કર્યો છે. હવે કારના એન્જિન પ્રમાણે પ્રીમિયમમાં વધુ રકમ ચૂકવવી પડશે.
માર્ગ અને પરિવહન મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે મોટર ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં છેલ્લો ફેરફાર 2019-20માં કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીના સમયમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હવે અલગ-અલગ એન્જિન ક્ષમતા પ્રમાણે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો દર વધારવામાં આવી રહ્યો છે. પ્રીમિયમના નવા દર 1 જૂનથી લાગુ થશે.
કયા વાહનની કિંમત કેટલી વધશે ?
નોટિફિકેશન અનુસાર 1000 સીસીથી ઓછી એન્જિન ક્ષમતાવાળા વાહનો માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ રૂ. 2094 નક્કી કરવામાં આવ્યું છે. 2019-20માં આ રકમ 2072 રૂપિયા હતી. એ જ રીતે 1000 ccથી 1500 cc સુધીના વાહનો પર થર્ડ પાર્ટી વીમાનું પ્રીમિયમ 3221 રૂપિયાથી વધારીને 3416 રૂપિયા કરવામાં આવ્યું છે. જોકે 1500 સીસીથી વધુના વાહનો માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં નજીવો વધારો થયો છે. તે બે વર્ષ પહેલા 7890 રૂપિયા હતુ જે હવે સરકારે વધારીને 7897 રૂપિયા કર્યું છે.
1000 cc કાર માટે લઘુત્તમ ત્રણ વર્ષનું લમ્પ-સમ પ્રીમિયમ હવે રૂ. 6521 નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે 1,000 ccથી 1,500 ccની રેન્જવાળા વાહનો માટે ત્રણ વર્ષનું લમ્પ-સમ પ્રીમિયમ હવે રૂ. 10,640 રહેશે. આ સિવાય જે વાહનોની એન્જિન ક્ષમતા 1,500 સીસીથી વધુ છે તેમને હવે ત્રણ વર્ષ માટે 24,596 રૂપિયાનું ન્યૂનતમ વન-ટાઇમ પ્રીમિયમ ચૂકવવું પડશે.
બાઈક પ્રીમિયમ પણ વધશે :
ટુ વ્હીલર માટે થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમના ચાર્જિસ પણ બદલાશે. 1 જૂનથી 150 સીસીથી 350 સીસી સુધીની બાઈકનું પ્રીમિયમ રૂ. 1366 હશે, જ્યારે 350 સીસીથી વધુની ક્ષમતાવાળા એન્જિનનું પ્રીમિયમ હવે રૂ. 2804 હશે.
ટુ વ્હીલર માટે પાંચ વર્ષનું પ્રીમિયમ
75 સીસીથી ઓછી એન્જિન ક્ષમતા ધરાવતી બાઇક માટે પાંચ વર્ષનું સિંગલ પ્રીમિયમ રૂ. 2901 નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે 75 સીસી અને 150 સીસી વચ્ચેની બાઇક માટે પાંચ વર્ષનું સિંગલ પ્રીમિયમ હવે રૂ. 3851 રહેશે. તેવી જ રીતે, 150 સીસીથી વધુ અને 350 સીસીથી ઓછી ક્ષમતાના ટુ-વ્હીલર માટે હવે 7365 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે, જ્યારે 350 સીસીથી વધુની મોટરસાઈકલ માટે 15,117 રૂપિયા ચાર્જ કરવામાં આવશે.
ઈ-કારનું પ્રીમિયમ પણ વધશે ?
સરકારે ખાનગી ઈ-કાર માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પણ નક્કી કર્યું છે. હવે 30 kW સુધીની ક્ષમતા ધરાવતી ઈ-કાર માટે ત્રણ વર્ષનું પ્રીમિયમ 5543 રૂપિયા હશે. તેવી જ રીતે 30 kW અને 65 kW વચ્ચેની ઈ-કાર માટે ત્રણ વર્ષનું પ્રીમિયમ 9044 રૂપિયા વસૂલવામાં આવશે. 65 kWથી વધુની ક્ષમતા ધરાવતી ઈલેક્ટ્રિક કાર માટે હવે ત્રણ વર્ષનું પ્રીમિયમ 20,907 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.
ઈ-સ્કૂટર પર પાંચ વર્ષ માટે પ્રીમિયમ કેટલું હશે ?
3 kW ક્ષમતા ધરાવતા ઈ-સ્કૂટર્સ માટે પાંચ વર્ષનું સિંગલ પ્રીમિયમ રૂ. 2466 નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે 3 kWથી 7 kW વચ્ચેની ક્ષમતા ધરાવતા ઈ-સ્કૂટર્સ માટે રૂ. 3273 પ્રીમિયમ વસૂલવામાં આવશે. આ સિવાય 7 kWથી 16 kWની ક્ષમતા ધરાવતા ટુ-વ્હીલર્સને પાંચ વર્ષ માટે 6260 રૂપિયાનું પ્રીમિયમ ચાર્જ કરાશે જ્યારે 6 kW અને તેનાથી વધુની ક્ષમતાવાળા વાહનોને 12,849 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે.