ઘણીવાર બ્રોકરો ખરીદનારને પ્રોપર્ટી વિશે સંપૂર્ણ કે સચોટ માહિતી આપતા નથી
ઘણી વખત ખરીદદારો મિલકતનો સોદો કર્યા પછી છેતરાયાની લાગણી અનુભવે છે
સેમ્પલ ફ્લેટ અને વેચાણના ફ્લેટ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે
પ્રોપર્ટી બ્રોકર પાસેથી આપણે ફ્લેટ્સ, દુકાનો અથવા ઓફિસ સ્પેસ માટે ખરીદી કરવામાં મદદ લઈએ છીએ. કારણ કે દલાલ વગર મિલકતની ખરીદીમાં જટિલતા વધુ રહે છે જે બ્રોકર પૂર્ણ કરે છે. આ કારણે મોટાભાગના લોકો બ્રોકરની મદદ લેતા હોય છે. પરંતુ ઘણીવાર આ બ્રોકરો ખરીદનારને પ્રોપર્ટી વિશે સંપૂર્ણ કે સચોટ માહિતી આપતા નથી. ઘણા કિસ્સામાં બ્રોકરો સાચો રસ્તો બતાવવાને બદલે ખરીદદારોને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હોય છે. તેથી, ખરીદનારે મિલકત ખરીદતી વખતે વધુ સમજદાર અને સાવચેત રહેવાની જરૂર છે. યોગ્ય માહિતીના અભાવમાં ઘણી વખત ખરીદદારો મિલકતનો સોદો કર્યા પછી છેતરાયાની લાગણી અનુભવે છે. આવો જાણીએ એવી વાતો જેને બ્રોકર બાયર્સ દ્વારા વારંવાર છુપાવવામાં આવે છે.
બાંધકામની ગુણવત્તા
દલાલો તમને ક્યારેય કોઈ પણ પ્રોજેક્ટની બાંધકામ ગુણવત્તા વિશેની માહિતી આપશે નહીં. તમારે જાતે માહિતી એકઠી કરવી પડશે. તમે આ માહિતી બિલ્ડરના જૂના પ્રોજેક્ટમાંથી એકત્રિત કરી શકો છો. સાથે જ જે પ્રોજેક્ટ રેડી ટુ મુવ છે ત્યાંથી તમે તે પ્રોજેક્ટમાં રહેતા લોકો પાસેથી કન્સ્ટ્રક્શન ક્વોલિટીની જાણકારી એકઠી કરી શકો છો.
સેમ્પલ ફ્લેટ અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત
બિલ્ડરો ખરીદદારોને આકર્ષવા માટે આકર્ષક નમૂનાના ફ્લેટ્સ તૈયાર કરે છે. જ્યારે ઘણી વખત સેમ્પલ ફ્લેટ અને વેચાણના ફ્લેટ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. દિવાલની જાડાઈ સેમ્પલ ફ્લેટ કરતા વાસ્તવિક ફ્લેટમાં જાડી હોય છે જેના લીધે જગ્યા વધુ દેખાય છે. સેમ્પલ ફ્લેટને પાતળી દીવાલથી બનાવામાં આવે છે અને ફર્નિચર પણ સાઈઝમાં નાનું હોય છે, તેના કારણે વધુ જગ્યા દેખાય છે. તેથી સેમ્પલ ફ્લેટ પર આંધળો વિશ્વાસ ન કરો.
બિલ્ડર બાયર એગ્રીમેન્ટ
બિલ્ડર- બાયર એગ્રીમેન્ટની માહિતી સામાન્ય રીતે ખરીદનારને આપતા નથી. બિલ્ડરે આ કરારમાં કયા નિયમો અને શરતો મૂકી છે? ખરીદનારને શું અધિકાર છે, બ્રોકરો આવી ઘણી વસ્તુઓની માહિતી છુપાવતા હોય છે. માટે પ્રોપર્ટી ખરીદતા પહેલા વકીલ સાથે મુલાકાત કરીને સોદાના નિયમો અને શરતો સમજી લેવી જોઇએ.
સાચા માલિકની માહિતી
પ્રોપર્ટી માર્કેટમાં ઘણી વખત અસલી માલિક કોઇ અન્ય હોય છે, જ્યારે તેનો સોદો કે માર્કેટિંગ કોઇ અન્ય વ્યક્તિ કે કંપની કરે છે. બ્રોકર્સ આ અંગેની સાચી માહિતી પણ છુપાવે છે. માટે પ્રોપર્ટીનો સોદો ફાઇનલ કરતા પહેલા અસલી માલિકને મળવું જરૂરી છે. ઘણી વખત સમાન મિલકત માટે ઘણા કમિશન એજન્ટો અથવા દલાલો ખરીદદારોની શોધમાં રહેતા હોય છે. તેથી, કિંમતની સોદાબાજીના સંદર્ભમાં પણ મિલકતના વાસ્તવિક માલિકનો સંપર્ક કરવો હિતાવહ છે.
પઝેશનના ચોક્કસ સમય વિશેની માહિતી
ઘર ખરીદનાર માટે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે તે જે પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવી રહ્યો છે તેનો કબજો ક્યારે મળશે. સમયસર બાંધકામ પૂર્ણ ન થવું અને કબજામાં વિલંબ થવો એ હાલની બજારની મોટી સમસ્યા છે. પ્રોપર્ટી વેચતી વખતે બિલ્ડર્સ અને બ્રોકરો બાંધકામ વહેલું પૂરું કરવા અને તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે સપનાઓ બતાવે છે, જ્યારે હકીકતમાં બહુ ઓછા લોકો આ વચનોનું પાલન કરે છે. બિલ્ડરો સમયસર પઝેશન ન આપવાનાં વિવિધ કારણો ગણાવે છે. માટે રોકાણ કરતા પહેલા બિલ્ડરનો રેકોર્ડ જોવો જરૂરી છે. આ અંગેની માહિતી તેના જૂના પ્રોજેક્ટમાં રહેતા લોકો પાસેથી લેવી જોઈએ.