સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં કડાકો
સેન્સેક્સ ખુલતાની સાથે જ 700થી વધુ પોઇન્ટે તૂટ્યો
નિફ્ટી પણ 16950ની નીચે ગયો
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટીને કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 16950 ની નીચે ગયો છે અને તેમાં લગભગ 1.4 ટકાનો ઘટાડો છે. આ સાથે જ સેન્સેક્સે 57,000 ના મહત્વપૂર્ણ સ્તરને તોડી નાખ્યું છે અને તે 56,512ના સ્તરે દેખાઈ રહ્યું છે.
આજે બજારની શરૂઆત કડાકા સાથે થઇ છે, અને પ્રી-ઓપનિંગમાં જ તેનો સંકેત મળી ગયો હતો. શુક્રવારે અમેરિકન બજારોમાં આવેલા ઘટાડા અને આજે એશિયાઈ બજારોની નબળાઈની અસર સ્થાનિક શેરબજાર પર જોવા મળી રહી છે.
આજના ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં BSE સેન્સેક્સ 439.51 પોઈન્ટના ઘટાડા સાથે 56757.64 પર ખુલ્યો હતો. શુક્રવારે તે 57197 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ આજે NSE નો નિફ્ટી 162.9 પોઈન્ટના ઘટાડા સાથે 17009.05 પર ખુલ્યો અને શુક્રવારે તે 17171 ના સ્તર પર બંધ થયો હતો.આજની ટ્રેડિંગ સફરમાં શરૂઆતની થોડીક મિનિટો બાદ નિફ્ટીના 50 માંથી 45 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને માત્ર 5 શેરો લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યાં છે.
બેન્ક નિફ્ટીની વાત કરીએ તો 146 અંક એટલે કે 0.41 ટકાના ઘટાડા સાથે 35897 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આજના સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો ઓટો સિવાય અન્ય તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. સૌથી વધારે રિયલ્ટી શેરોમાં 2.31 ટકાનો સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મેટલ સેક્ટરમાં 2.08 ટકાનો ઘટાડો નોંધાયો છે અને આઇટી શેરોમાં 1.80 ટકાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. એ સિવાય FMCG શેર પણ 1.78 ટકાની નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.