- ગુજરાતમાં સેકન્ડહેન્ડ કારનું માર્કેટ બમણું વધ્યું
- વાર્ષિક 7500 કરોડથી વધુ વેચાણ
- મહામારી બાદ વેચાણમાં 50 ટકાથી વધુ ગ્રોથ
ઘરનું ઘર જ નહીં, આંગણે ગાડી હોવી એ હવે સામાન્ય બાબત બની ગઇ છે. કોરોના મહામારીના કારણે ગાડી લક્ઝરી પ્રોડક્ટના બદલે જીવન જરૂરી બની ચૂકી છે. મહામારી બાદ ટોચના સેક્ટરમાં ઓટો ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ છેલ્લા એકાદ વર્ષથી ટોપ ગિયરમાં રહ્યો છે. માત્ર નવી કારમાં જ નહીં સેકન્ડ હેન્ડ કારના માર્કેટમાં બમણી વૃદ્ધિ નોંધાઇ છે. ગુજરાતમાં દર મહિને સરેરાશ 2400-2500 સેકન્ડ હેન્ડ કારનું વેચાણ થઇ રહ્યું છે. સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ વાર્ષિક ધોરણે 7500 કરોડથી વધુ પહોંચ્યું છે. સેકન્ડ હેન્ડ કારમાં પ્રીમિયમ કારના વેચાણમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે.
ગુજરાત ઓટો ઇન્ડસ્ટ્રીઝ માટે મહત્વનું માર્કેટ બની ચુક્યું છે. દેશના કુલ નવી કારના વેચાણમાં ગુજરાતનું વોલ્યુમ 10-12 ટકાથી વધુ છે. જ્યારે સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ 20 ટકાથી વધુ છે. ખાસકરીને પ્રિમિયમ કારના વેચાણમાં દેશભરમાં ગુજરાતનું માર્કેટ 50 ટકાનું હોવાનું અગ્રણીઓ જણાવી રહ્યાં છે વેચાણને વેગ આપવા માટે કંપનીઓ 95 ટકા સુધી ધિરાણ પુરૂ પાડી રહી છે. તેમજ વ્યાજદર 8-10 ટકાની અંદર હોવાના કારણે પણ ખરીદીમાં આકર્ષણ જોવા મળ્યું છે. ઓટો એક્સપો માટે દિલ્હી હબ ગણાય છે પરંતુ કોરોના મહામારી બાદ ગુજરાતમાં કાર એક્સપો યોજાઇ રહ્યાં છે પરંતુ પહેલી વખત સેકન્ડ હેન્ડ કારનો લકઝરી ઓટો એસ્પો યોજાઇ રહ્યો જેમાં રોલ્સ રોયસ, ફરારી, પોર્શે, બીએમડબલ્યુ, એસટર્ન માર્ટીન, ઔડી, મીની કુપર, વોલ્વો જેવી કાર ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર રહેશે.
નવી કાર માટેનું ગુજરાતનું ઓટો ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ દર મહિને અંદાજે 2000 કરોડથી વધુનું છે. તેની સામે સેકન્ડ હેન્ડનું માર્કેટ 35-40 ટકા પહોંચ્યું છે. સેક્ટરમાં જે ગતિએ પુછપરછ શરૂ થઇ છે તેને ધ્યાનમાં લેતા સેકન્ડ હેન્ડ કારના માર્કેટમાં આગામી વર્ષે પણ 25-30 ટકાનો ગ્રોથ જોવા મળે તેવો આશાવાદ છે. નવી કરતા જૂની કારની પસંદગીમાં અનેક પોઝિટીવ પાસા છે જેમકે 3-4 વર્ષ જૂની કાર 50 ટકા કિમતે મળવી, સરળ ધિરાણની સુવિધા, કાર ડિલર્સ દ્વારા બાયબેક ફેસેલિટી, 2-3 ફ્રિ સર્વિસ, એક વર્ષની કોમ્પ્રિહેન્સીવ વોરંટી, આરટીઓ સુવિધા પુરી પાડવામાં આવી રહી છે જેના કારણે આકર્ષણ વધ્યું છે.