મેં મહિનામાં પામ તેલની આયાતમાં 33.20 ટકાનો ઘટાડો
ગયા મહિને 5,14,022 તન થઇ આવક
સોયાતેલની આયાત વધીને 3.73 લાખ ટન થઈ
દેશમાં આ વર્ષે મે મહિના દરમિયાન પામતેલની આયાત 33.20 ટકા ઘટીને 5,14,022 ટન રહી હતી. પરંતુ રિફાઈનરીઓ દ્વારા આરબીડી પામોલિન તેલના શિપમેન્ટમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. વિશ્વના અગ્રણી ખાદ્યતેલ ખરીદનાર ભારતે મે 2021માં 769602 ટન પામતેલની આયાત કરી હોવાનું સીના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે.દેશની કુલ ખાદ્યતેલની આયાત આ વર્ષે મે મહિનામાં ઘટીને 1005547 ટન થઈ છે જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 1213142 ટન હતી. દેશની કુલ ખાદ્યતેલની આયાતમાં પામ તેલનો હિસ્સો લગભગ 50 ટકા જેટલો છે. સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ઇન્ડોનેશિયાએ 23 મેથી કેટલીક શરતો સાથે પામતેલની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે અને નિકાસ ટેક્સ પણ ઘટાડ્યો છે.
પરિણામે ઈન્ડોનેશિયામાંથી નિકાસ વધશે અને વૈશ્વિક કિંમતો પર તેની અસર ઘટશે.પામ ઓઈલ ઉત્પાદનોમાં આ વર્ષે મે મહિનામાં ક્રૂડ પામ ઓઈલ (CPO) ની આયાત ઘટીને 4.09 લાખ ટન થઈ છે જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 7.55 લાખ ટન હતી. જોકે, RBD પામોલિનની આયાત 2,075 ટનથી વધીને 1 લાખ ટન થઈ છે, જ્યારે ક્રૂડપામ કર્નલ ઓઈલ (CPKO) ની આયાત 11,894 ટનથી ઘટીને 4,265 ટન થઈ છે.સ્થાનિક બજારમાં ખાદ્યતેલોના ભાવમાં 9%નો ઘટાડો થયો છે અને આ મહિને તેના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. તેનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્લાયમાં વધારો છે.
ગયા મહિને આંતરરાષ્ટ્રીય બજારમાં સન ફ્લાવર ઓઈલ, સરસિયુ, પામ ઓઈલ અને કોકોનટ ઓઈલના ભાવમાં 2થી 13.5%નો ઘટાડો થયો હતો.આ ઉપરાંત સોફ્ટતેલોમાં સોયાતેલની આયાત આ વર્ષે મે મહિનામાં ઝડપથી વધીને 3.73 લાખ ટન થઈ છે, જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં 2.67 લાખ ટન હતી. જ્યારે સનફ્લાવરતેલની આયાત નજીવી ઘટીને 1.18 લાખ ટન થઈ છે જે અગાઉના વર્ષે 1.75 લાખ ટન હતી. ખાદ્યતેલનો સ્ટોક 4.84 લાખ ટન હોવાનો અંદાજ હતો.