મોદી સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે જાહેરાત કરી
અગાઉ ઘઉંની નિકાસ પર મૂકાયો છે પ્રતિબંધ
દેશમાં ખાંડના ભાવમાં મોટો ઉછાળો આવતા કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્ર સરકારે 6 વર્ષમાં પહેલી વાર ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે નિર્ણય અંગે જાહેરાત કરી છે. 1 જૂનથી ખાંડ નિકાસ પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે.
ઈન્ડોનેશિયા, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત, મલેશિયા અને આફ્રિકન દેશો ભારતમાંથી મહત્તમ ખાંડ ખરીદે છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક ભારતમાં સૌથી વધુ ઉત્પાદન કરતા રાજ્યો છે. માત્ર આ 3 રાજ્યો દેશની કુલ ખાંડના 80 ટકા ઉત્પાદન કરે છે. આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, બિહાર, હરિયાણા અને પંજાબમાં પણ અમુક અંશે શેરડી ઉગાડવામાં આવે છે.
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ પછી, સમગ્ર વિશ્વમાં ઘઉંની તીવ્ર અછત હતી, કારણ કે આ બંને દેશો લગભગ 25 ટકા નિકાસને આવરી લે છે. આવી સ્થિતિમાં ભારતમાંથી ઘઉંની નિકાસ ઝડપથી વધવા લાગી. વધુ નિકાસને કારણે ભારતમાં ઘઉંના ભાવ પણ વધવા લાગ્યા. છેવટે, ગયા અઠવાડિયે, સરકારે ભાવ પર લગામ લગાવવા ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
ખાંડની નિકાસમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. સમગ્ર વિશ્વમાં માત્ર બ્રાઝિલ જ છે જે ભારત કરતાં વધુ ખાંડની નિકાસ કરે છે. આવી સ્થિતિમાં, જો મોદી સરકાર ખાંડ પર પ્રતિબંધ મૂકે છે, તો ઘણા દેશોને મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
જો કે ખાંડની નિકાસ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સમાચારને કારણે ખાંડના સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો હતો. રેણુકા સુગરનો શેર 6.66% ઘટ્યો, જ્યારે બલરામપુર ચીની મિલ્સના શેરમાં 5% ઘટાડો થયો. તે જ સમયે, ધામપુર સુગરના શેરમાં 5 ટકા અને શક્તિ સુગરના શેરમાં પણ લગભગ 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.