- કોરોના મહામારી બાદ બેરોજગારીમાં આવ્યો ઉછાળો
- ભારતનો બેરોજગારી દર ૭.૯ ટકાની ચાર મહિનાની ટોચે પહોંચ્યો
- શહેરી ક્ષેત્રોમાં બેરોજગારી દર વધીને ૯.૩ ટકા અને ગ્રામીણ વિસ્તારમાં ૭.૩ ટકા
કોરોના મહામારીના ફટકા બાદ ભારતીય અર્થવ્યવસ્થામાં રિકવરીના સંકેતો વચ્ચે પણ વધી રહેલી બેરોજગારી ચિંતાજનક બાબત છે. ડિસેમ્બર ૨૦૨૧માં ભારતનો બેરોજગારી દર ૭.૯ ટકાની ચાર મહિનાની ટોચે પહોંચ્યો છે એવું સરકારી આંકડામાં જાણવા મળ્યુ છે. સેન્ટ્રલ ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમિ (સીએમઆઇઇ)ના આંકડા મુજબ ડિસેમ્બરમાં બેરોજગારી દર વધીને ૭.૯ ટકા થયો છે જે ઓગસ્ટના ૮.૩ ટકા પછીનો સૌથી ઉંચો બેકારીનો દર છે. તાજેતરમાં કોવિડ-૧૯ના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસો એકાએક વધતા ઘણા રાજ્યોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત કેટલાંક પ્રતિબંધો લાગુ કરાયા છે જેથી આર્થિક પ્રવૃત્તિઓ અને કન્ઝયુમર સેન્ટિમેન્ટ પર પ્રતિકુળ અસર થશે.
સરકારી આંકડા મુજબ ડિસેમ્બરમાં શહેરી ક્ષેત્રોમાં બેરોજગારી દર વધીને ૯.૩ ટકા અને ગ્રામીણ વિસ્તારમાં ૭.૩ ટકાના સ્તરે પહોંચ્યો છે. જ્યારે નવેમ્બરમાં ઉપરોક્ત બંને ક્ષેત્રોમાં બેકારી દર અનુક્રમે ૮.૨ ટકા અને ૬.૪ ટકા હતો. અર્થશાીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે ઓમિક્રોનનું સંક્રમણ પાછલા ત્રિમાસિકમાં આવેલી આર્થિક રિકવરીને નુકસાન પહોંચાડી શકે છે.જો રાજ્યો પ્રમાણે વાત કરીએ તો ડિસેમ્બરમાં સૌથી વધારે બેરોજગારી હરિયાણામાં ૩૪.૧ ટકા હતી. ત્યારબાદ રાજસ્થાનમાં ૨૭.૧ ટકા, ઝારખંડમાં ૧૭.૩ ટકા, બિહારમાં ૧૬ ટકા અને જમ્મુ-કાશ્મીરમાં ૧૫ ટકા નોંધાઇ હતી. તો ડિસેમ્બરમાં દિલ્હીમાં બેરોજગારી દર ૯.૮ ટકા રહ્યો છે. નોંધનિય છે કે, કોરોના મહામારીની બીજી લહેરને પગલે મે-૨૦૨૧ દરમિયાન દેશમાં બેરોજગારી દર વધીને ૧૧.૮૪ ટકની ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો.