ખાદ્યતેલના ભાવમાં લીટર દીઠ 15 રૂપિયા સુધીનો ઘટાડો
વિવિધ બ્રાન્ડેડ એડિબલ ઓઇલ કંપનીઓએ કર્યો ભાવ ઘટાડો
ઇન્ડોનેશિયામાં પામની નિકાસ ફરી શરુ થતા ભાવમાં ઘટાડો
બ્રાન્ડેડ ખાદ્યતેલ કંપનીઓએ છેલ્લા બે વર્ષમાં ‘મણ’ જેટલો ભાવવધારા બાદ હવે ‘કણ’ જેટલો ઘટાડો કર્યો છે. તાજેતરમાં વિવિધ બ્રાન્ડેડ એડિબલ ઓઇલ કંપનીઓએ ખાદ્યતેલોની કિંમત લીટર દીઠ રૂ. 15 સુધી ઘટાડી છે, જે મોંઘવારીની ભીંસમાં પિસાઇ રહેલી પ્રજાને આગામી તહેવારોની સિઝનમાં થોડીક રાહત આપી શકે છે.ખાદ્યતેલો સસ્તા થવાનું મુખ્ય કારણ ઇન્ડોનેશિયા દ્વારા પામેતેલની નિકાસ ફરી શરૂ કરવી અને વૈશ્વિક બજારોની નરમાઇ છે.
છેલ્લા કેટલાંક સપ્તાહોથી આર્જેન્ટિના અને રશિયામાંથી સનફ્લાવર તેલની સપ્લાય શરૂ થઇ છે જેની અસરે કિંમત પર દબાણ આવ્યુ છે. બ્રાન્ડેડ એડિબલ ઓઇલ કંપનીઓએ પામતેલની કિંમત પ્રતિ લિટર દીઠ 7થી 8 રૂપિયા સુધી ઘટાડી છે.તો સનફ્લાવર તેલ લિટર દીઠ રૂ. 10થી 15 તેમજ સોયાબીન તેલ રૂ.5 સુધી સસ્તા કર્યા છે.ઇન્ડિયન વેજિટેબલ ઓઇલ પ્રોડ્યુસર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યુ કે, કિંમતોમાં ઘટાડાની અસર અર્થવ્યવસ્થા અને લોકપ્રિય ખાદ્યતેલોની બ્રાન્ડો પર તાત્કાલિક દેખાશે, જો કે પ્રીમિયમ બ્રાન્ડોની કિંમતોમાં ઘટાડાની અસર ગ્રાહકો થવામાં થોડોક સમય લાગશે.
આગામી તહેવારોમાં માંગ વધવાની અપેક્ષા એ ભાવ ઘટતા વિક્રેતાઓ ખાદ્યતેલોની સંગ્રહખોરી કરવા પ્રેરિત થયા છે. મોંઘવારી વધવામાં ખાદ્યતેલોએ મોટી ભૂમિકા ભજવી છે. કોરોના મહામારી આવ્યાના છેલ્લા સવા બે વર્ષમાં મોટા ભાગના ખાદ્યતેલોની કિંમતમાં 50થી 100 ટકા સુધીનો કમરતોડ વધારો થયો છે. પ્રજાને ઉંચી કિંમતોથી રાહત આપવા સરકાર ખાદ્યતેલ ઉદ્યોગોને કિંમત ઘટાડવા નિર્દેશ કર્યો હતો.