- નવા વર્ષથી અનેક વસ્તુ થશે મોંઘી
- કેટલીક વસ્તુના જીએસટીમાં કરાશે વધારો
- કપડા, ફૂટવેર અને ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં જીએસટી વધશે
નવા વર્ષને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભારતીય સૌ તૈયાર રહેજો, નવા વર્ષથી ખર્ચમાં વધારો થવા જઇ રહ્યો છે. સરકાર દ્વારા કેટલીક વસ્તુ પર જીએસટીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ભારતમાં જાન્યુઆરી 2022 થી દરેકના ખિસ્સા પર બોજ વધવા જઇ રહ્યો છે. સામાન્ય માણસને 1 જાન્યુઆરી 2022 થી ઘણી વસ્તુઓ પર વધતા ટેક્સનો સામનો કરવો પડશે.
નવું વર્ષ તમારા માટે ખુશીઓ લઈને આવી રહ્યું છે પરંતુ મોંઘવારી તમને થોડી પરેશાન કરી શકે છે. કપડા અને જૂતા-ચપ્પલ ખરીદવાથી લઈને ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું પણ હવે મોંઘું થઈ જશે. 1 જાન્યુઆરીથી રેડીમેડ ગારમેન્ટ્સ પર GST નો દર 5 ટકાથી વધીને 12 ટકા થશે. તેનાથી રેડીમેડ કપડાના ભાવમાં વધારો થશે. ત્યારે કાપડના વેપારીઓનું કહેવું છે કે GST વધવાથી રિટેલ બિઝનેસ પર ખરાબ અસર પડશે. રેડીમેડના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ જીએસટીમાં વધારાનો વિરોધ કરી રહ્યા છે. જો કે, સરકાર પોતાના નિર્ણયથી પીછેહઠ કરવાના મૂડમાં નથી. આ ટેક્સ સ્લેબમાં નવો ફેરફાર 1 જાન્યુઆરી 2022 થી લાગુ થશે. સામાન્ય લોકો પણ જીએસટી દરમાં વધારાથી ખુશ નથી. લોકોનું કહેવું છે કે GST વધવાને કારણે કપડાના ભાવમાં નોંધપાત્ર વધારો થશે જેના કારણે સામાન્ય માણસને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે.
કોરોનાના સમયમાં વેપારીઓ પહેલેથી જ પરેશાન છે. માર્કેટમાં બિલકુલ કામ નથી, GST વધ્યા બાદ વેપારી વધુ પરેશાન થશે. કપડાં અને પગરખાં ઉપરાંત જો તમે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવાના પણ શોખીન છો, તો તમારા ખિસ્સાને ભારે ફટકો પડશે. કારણ કે 1 જાન્યુઆરીથી કંપનીઓએ ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો અને સ્વિગી પરથી ફૂડ ઓર્ડર કરવા પર પણ ટેક્સ ચૂકવવો પડશે. નવા વર્ષથી ફૂડ ડિલિવરી એપ્સ પર પણ 5 ટકા GST લાગશે. જો કે, તેનાથી યુઝર્સને કોઈ ફરક પડવાનો નથી કારણ કે તે પહેલાથી જ સ્પષ્ટ થઈ ગયું છે કે સરકાર આ ટેક્સ ગ્રાહકો પાસેથી નહીં, પરંતુ એપ કંપનીઓ પાસેથી વસૂલ કરશે. પરંતુ હંમેશા એવું રહ્યું છે કે જો સરકાર તરફથી કોઈ કંપની પર કોઈ બોજ હોય તો એપ કંપનીઓ કોઈને કોઈ રીતે ગ્રાહકો પાસેથી તેને વસૂલ કરે છે. આવી સ્થિતિમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારાઓને નવું વર્ષ ભારે પડશે.