RBI વારા રૂબલ અને રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર માટે ચૂકવણીની મંજૂરી
રશિયા જેવા દેશો સાથે જે સ્વિફ્ટ સિસ્ટમની બહાર છે
RBIએ જાહેર કર્યો પરિપત્ર
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા રૂબલ અને રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર માટે ચૂકવણીની મંજૂરી આપી દીધી છે. જેથી કરીને હવે રશિયા સાથે વેપાર કરવામાં મોરબી સિરામિક ઉદ્યોગને જે મુશ્કેલી પડતી હતી તે દૂર થશે. મહત્વનું છે કે મોરબી સિરામિક ઉદ્યોગકારોના તૈયાર માલને રશિયા મોકલવા પર રૂબલમાં ચૂકવણી થતા મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે આરબીઆઇ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કારણે ઉદ્યોગકારો રાહતની લાગણી અનુભવી રહ્યા છે.
મોરબી સિરામિક એસો.ના પ્રમુખે જણાવ્યુ હતુ કે, રશિયા જેવા દેશો સાથે જે સ્વિફ્ટ સિસ્ટમની બહાર છે તેમની સાથેના નાણાકીય વ્યવહારો માટે રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર સેટલમેન્ટનો જરૂરી છે જેથી કરીને આરબીઆઇ દ્વારા જે નિર્ણય કરવામાં આવેલ છે તેનાથી ભારત અને ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારો માટે વેપારને અને આયાતને પ્રોત્સાહન મળશે. અમે ઉદ્યોગકારોને બીઆરસી જનરેટ કરવા સહિતના જે પ્રશ્નો હતા તે તમામ ઉકેલાઈ જશે.
મોરબીના સિરામિક ઉદ્યોગકારો વેપાર માટે યુક્રેન અને રશિયા બંને દેશો સાથે જોડાયેલા છે . પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી આ બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે હોવાથી સ્વિફ્ટ મેસેજ બંધ થઇ ગયા હતા. જો કે ભારત સરકાર દ્વારા રૂપી અને રૂબલ વચ્ચેના નાંણાકીય વ્યવહારો ચાલુ રાખવામા આવ્યા હતા.
પરંતુ તેના માટેનો જરૂરી પરિપત્ર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાંથી આવ્યો ન હોવાથી ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા હતા. બેંકોમાંથી અધિકારીઓ દ્વારા ઉદ્યોગકારોને સહકાર આપવામાં ન આવતો હોવાથી ફરિયાદો ઉઠી હતી. આ અંગે મોરબીના કેટલાક સિરામિક ઉદ્યોગકારો દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના આધારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં રજૂઆત કરાતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.