- IT પાર્ક બનાવવા કેન્દ્રને માંગ કરવામાં આવી
- સુરતની નાની મોટી 2 હજાર કંપનીઓને IT પાર્કનો લાભ મળશે
- કાપડ, હીરા, શિક્ષણ અને બાંધકામને પણ ફાયદો થશે
રાજ્ય સરકારે જાહેર કરેલી નવી આઈટી પોલીસીનો લાભ સુરતની નાની મોટી 2 હજાર કંપનીઓને મળવાનો છે. તેના થકી સુરતમાં વિદેશથી આયાત થતાં હીરા અને કાપડના મશીનના સોફ્ટવેર માટે રિસર્ચ કરીને તેને ડેવલોપ કરવાની પણ તકે મળશે તેવો મત સ્થાનિક આઈટી સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો છે.
આ ઉપરાંત આઈટી પોલીસી થકી કાપડ ઉપરાંત શિક્ષણ અને બાંધકામ ઉદ્યોગમાં કરવામાં આવતા સંશોધનને પણ સારી એવી તક મળવાની શકયતા રહેલી છે. સુરતમાં ઝડપથી વિકસીત થઈ રહેલા આઈટી સેક્ટરમાં દર વર્ષે બમણો ગ્રોથ નોંધાઈ રહ્યો હોવાનો મત આઈટી સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં જ જાહેર થયેલા કેન્દ્રીય બજેટમાં દરેક રાજ્યને આઈટી સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલા સૂચનની સાથો – સાથ વિઝ્યુઅલ ઈફેક્ટ ગેમિંહ એન્ડ કોમિક માટે ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે. કેન્દ્રીય બજેટની આ જોગવાઈઓ બાદ મંગળવારે જાહેર થયેલી આઈટી પોલીસીથી સુરતના ઝડપથી વિકસિત થઈ રહેલા આઈટી સેક્ટરને મોટા ગ્રોથની આશા છે .
ત્યારે આઈટી પોલીસીમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ (આરએન્ડડી) માટે કરવામાં આવેલી 25 કરોડની જોગવાઈના કારણે સુરતમાં વિદેશથી આયાત થતાં હીરા અને કાપડના મશીનોના સોફ્ટવેર લોકલ લેવલે બનાવવા માટે થઈ રહેલા રિસર્ચને વેગ મળશે. આ ઉપરાંત 5 વર્ષ સુધી કોઈપણ આઈટી કંપનીને તેમને 10 પેટન્ટ માટે રૂપિયા પાંચ લાખ સુધીની આપવામાં આવેલી સબસિડીથી ગેઈમિંગ એપ ડેવલોપ કરનાર સુરતના આઈટી ઉદ્યોગકારોને સેઈફ પેસેજ મળશે. આ સાથે આઈટી સેક્ટરને અનુરુપ બાંધકામ માટે પણ વિવિધ સબસિડીઓ જાહેર થઈ છે. જેના કારણે આ પોલીસીનો લાભ એકમાત્ર રાજ્યની આઈટી જ નહીં કાપડ, હીરા, શિક્ષણ અને બાંધકામને લાભ થાય તેવી આશા સેવાઈ રહી છે .