ઈન્ડોનેશિયાએ પામતેલની નિકાસ બંધ કરી
ભારતની જરૂરી 50% તેલ આયાત હવે ક્યાંથી થશે?
ભારતમાં સનફ્લાવર તેલનો ભાવ સૌથી વધુ
આજથી ઇન્ડોનેશિયાએ ભારતમાં પામતેલની નિકાસ બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ભારત 50 ટકા પામતેલની આયાત ઇન્ડોનેશિયાથી કરે છે. ઇન્ડોનેશિયાની આયાત-નિકાસની પોલિસીની સીધી જ અસર ભારતના તેલબજાર પડશે અને ખાદ્યતેલની અછત વર્તાય એવાં એંધાણ જોવા મળ્યાં છે. એક તરફ દરેક તેલના ભાવ આ વર્ષે આસમાને પહોંચ્યા છે, ત્યારે બીજી તરફ, ઇન્ડોનેશિયાએ પામતેલની નિકાસ બંધ કરતાં મુશ્કેલી વધી શકે છે. આગામી દિવસોમાં પામતેલના ભાવ હજી વધી શકે છે. છેલ્લા આઠ દિવસમાં જ પામતેલમાં ડબે 50 રૂપિયાનો ભાવ વધ્યો છે. બીજી તરફ, સનફ્લાવરનો ભાવ ઓલ ટાઇમ હાઈ બન્યો છે. દિવસે ને દિવસે મોંઘાં થતાં ખાદ્યતેલને કારણે લોકોની આર્થિક કમર ભાંગી નાખી છે.
છેલ્લા આઠ દિવસની વાત કરીએ તો પામતેલનો ડબો 2550માં મળતો, એમાં 50 રૂપિયાનો ભાવ વધતાં હવે 2600થી વધુમાં મળે છે. 2750 રૂપિયામાં મળતા સિંગતેલના ડબામાં 50 રૂપિયાનો ભાવ વધતાં હવે 2800માં મળે છે. 2700માં મળતા કપાસિયા તેલના ડબામાં 50 રૂપિયાનો વધારો થતાં હવે 2750 રૂપિયામાં મળે છે. સૌથી વધુ સનફ્લાવરના તેલમાં તેજી આવી છે. એમાં 150 રૂપિયાનો ભાવ વધારો થતાં હાલ 2900 રૂપિયામાં એક ડબો મળી રહ્યો છે.,આથી સિંગતેલ કરતાં સનફ્લાવર તેલ મોંઘું બન્યું છે. સતત ભાવવધારાને કારણે લોકો માટે મોંઘવારીનો સામનો કરવો મુશ્કેલ બન્યો છે.
ખાદ્યતેલની અંદર 28 એપ્રિલથી ઇન્ડોનેશિયાની સરકારે પામતેલ અને એનાં ઉત્પાદનોની નિકાસબંધી જાહેર કરી છે. એને કારણે આપણા દેશમાં તેની સીધી અને મોટી અસર પડી શકે એવી શક્યતાઓ છે. આપણો દેશ જરૂરિયાત મુજબનું 65 ટકા ખાદ્યતેલ ઇન્ડોનેશિયાથી આયાત કરે છે, જેમાં પામતેલનો હિસ્સો ખૂબ મોટા પ્રમાણમાં છે. આપણી જરૂરિયાત મુજબ ભારત દર મહિને 3,50,000 ટન પામતેલ આયાત કરે છે. હવે નિકાસબંધીને કારણે આપણને ઇન્ડોનેશિયાનું પામતેલ મલતું બંધ થશે. એવાં પરિબળોને કારણે આપણી ખાદ્યતેલની ખાધ છે એ પૂરી કરવા માટે બીજા દેશો તરફ નજર દોડાવી પડે એવી શક્યતાઓ છે.