- આ બંનેના શેર્સે રોકાણ કરનારની કમાણી પણ વધારી
- 2021માં અદાણી-અંબાણીની સંપત્તિમાં આવ્યો વધારો
- સંપતિના વધારામાં અદાણીએ અંબાણીની સાઈડ કાપી
વર્ષ 2021 દરમિયાન મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સંપત્તિ સર્જનના મામલે સતત ચર્ચામાં રહ્યા છે. આ એક વર્ષમાં અદાણીની વેલ્થ 41.5 અબજ ડોલર (અંદાજે રૂ. 3 લાખ કરોડ)નો વધારો થયો છે, જ્યારે અંબાણીની નેટવર્થ 13 અબજ ડોલર (આશરે રૂ. 97,000 કરોડ) વધી છે. આ બંનેની સંપત્તિ તો વધી જ છે, પણ અદાણી અને અંબાણીની કંપનીના શેર્સમાં રોકાણ કરનારા ઈન્વેસ્ટર્સની કમાણી પણ 19%થી લઈને 357% જેટલી વધી છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ની વેબસાઇટ પરથી મેળવેલા આંકડા મુજબ, 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર વચ્ચેના સમયગાળામાં અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડે સૌથી વધુ 357%નું રિટર્ન આપ્યું છે. આ કંપનીનો સ્ટોક 1 જાન્યુઆરીએ રૂ. 375ના સ્તરે ઓપન થયો હતો અને 31 ડિસેમ્બરે રૂ. 1714.65 પર બંધ થયો હતો. આ સિવાય અદાણી ટ્રાન્સમિશનમાં 295% અને અદાણી એન્ટરપ્રાઇઝમાં રોકાણકારોને 257% રિટર્ન મળ્યું છે.
આંકડા જોઈએ તો 2020માં રિલાયન્સનો શેર 31% વધ્યો હતો, એની સામે 2021માં 19% જેટલો ભાવવધારો જોવા મળ્યો છે. જાણકારો કહે છે કે ભાવમાં ગ્રોથ ધીમો છે, પણ ફન્ડામેન્ટલી કંપની તરફ રોકાણકારોનો ઇન્ટરેસ્ટ ઓછો નથી થયો. આજે પણ રિલાયન્સને સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ માનવામાં આવે છે.
અત્યારસુધી અદાણી ગ્રુપની કંપનીઓ તરફ રોકાણકારોનું ખાસ ધ્યાન ન હતું, પરંતુ 2020 પછીથી અદાણીએ એરપોર્ટ, પાવર અને સિમેન્ટ સહિતનાં સેક્ટરમાં પ્રવેશ કર્યો છે અને નવા પ્રોજેક્ટ્સની જાહેરાતો કરી છે. આ બધી બાબતોથી ઈન્વેસ્ટર્સનું ધ્યાન અદાણી ગ્રુપ તરફ દોરવાયું છે. આ બધાં કારણોથી 2021 દરમિયાન તેની લિસ્ટેડ 6 કંપનીમાં રિટેલ તેમજ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટમેન્ટ ઘણું જ આવ્યું છે, જેથી એના શેર્સમાં એકધારી તેજી જોવા મળી હતી.
જ્યાં સુધી રિલાયન્સ ગ્રુપની વાત કરીએ તો કંપનીની શાખ ઘણી જૂની અને મજબૂત છે. આને કારણે નાના રોકાણકારોનો રસ રિલાયન્સ તરફ વધુ રહે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 10% જેવું રિટેલ પાર્ટિસિપેશન રહે છે અને એની સામે અદાણીની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝમાં એ લગભગ 3% જેટલું છે. આ સિવાય રિલાયન્સ જ્યારથી દેવામુક્ત બની છે ત્યારથી એમાં ઈન્વેસ્ટર્સનો ઇન્ટરેસ્ટ પણ વધ્યો છે. ફન્ડામેન્ટલી કંપની મજબૂત હોવાથી વચગાળાના કરેક્શન સાથે પણ એમાં એક નવું લેવલ જોવા મળી શકે છે.
છેલ્લું વર્ષ અદાણી ગ્રુપના શેરો માટે અસાધારણ રહ્યું હતું અને આ જૂથની તમામ લિસ્ટેડ કંપનીઓએ બજારને પાછળ રાખી દીધું હતું. 2021માં ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સે લગભગ 24% આઉટપર્ફોર્મ કર્યું હતું, જ્યારે મહત્તમ ગેઇન અદાણી ટોટલ ગેસમાં નોંધાયો હતો. જોકે જૂન 2021ના મહિનામાં સોશિયલ મીડિયા પર ટ્રિગર થયેલા નેગેટિવ ન્યૂઝને કારણે ગ્રુપના શેરના ભાવમાં થોડો ફેરફાર જોવા મળ્યો હતો.