અમેરિકન કંપનીઓના શેર્સમાં ગુજરાતીઓનું રોકાણ વધ્યું
ટેસ્લા, ફેસબુક, એપલ, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓમાં રોકાણ
એક વર્ષમાં ભારતથી અમેરિકન સ્ટોક્સમાં રોકાણ 63% વધ્યું
શેરબજારમાં રોકાણના મામલે ગુજરાતીઓ હંમેશાં આગળ હોય છે અને ભારતીય સ્ટોક માર્કેટમાં ગુજરાતીઓનું વર્ચસ્વ પણ જાણીતું છે. જોકે વાત અહીથી અટકતી નથી. ગુજરાતી રોકાણકારો અમેરિકન સ્ટોક માર્કેટમાં પણ ઘણું રોકાણ કરી રહ્યા છે. બજારના જાણકારોના મતે ટેસ્લા, ફેસબુક, માઇક્રોસોફ્ટ, એપલ જેવી અમેરિકન કંપનીઓના શેર્સમાં ગુજરાતીઓનું વાર્ષિક અંદાજે રૂ. 1000-1200 કરોડનું રોકાણ થાય છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ વિદેશના સ્ટોક માર્કેટમાં રોકાણ કરી શકાય છે. રિઝર્વ બેન્કના આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન અમેરિકન શેરબજારમાં ભારતમાંથી 747 મિલિયન ડોલર (અંદાજે રૂ. 6000 કરોડ)નું રોકાણ થયું છે. આગળના વર્ષના 472 મિલિયન ડોલર કરતાં આ ઇન્વેસ્ટમેન્ટ 63% વધારે છે. વીતેલા સાત વર્ષના આંકડા જોઈએ તો ભારતમાંથી અમેરિકન સ્ટોક્સ અને ડેટમાં રોકાણ 281% જેટલું વધ્યું છે. આ વર્ષે એપ્રિલ 2022માં 77 મિલિયન ડોલર (અંદાજે રૂ. 610 કરોડ)નું રોકાણ થયું છે.
રિસ્કને ડાઈવર્ટ કરવા માટે લોકો અમેરિકન સ્ટોક માર્કેટમાં રોકાણ કરે છે. આ ઉપરાંત કોરોનામાં લોકડાઉન હતું અને લોકો પાસે સમય વધારે હતો. એ દરમિયાન રોકાણકારોને દેશ બહાર રોકાણ કરવાના નવા રસ્તા સમજવાનો મોકો મળ્યો, જેના પરિણામ સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાંથી US ઇક્વિટી માર્કેટમાં રોકાણ ઘણું વધ્યું છે. મોટા ભાગે ફેસબુક, નેટફ્લિક્સ, ગૂગલ, માઈક્રોસોફ્ટ, ટેસ્લા જેવી કંપનીઓમાં તેમજ ટેક કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ થઇ રહ્યું છે.
ભારતમાંથી અમેરિકન સ્ટોક માર્કેટમાં જે રોકાણ થાય છે એમાં પશ્ચિમ ભારત એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોનો હિસ્સો મુખ્ય છે. એવી જ રીતે દક્ષિણનાં રાજ્યો કર્ણાટક અને તામિલનાડુમાંથી પણ સારું રોકાણ આવે છે. હાલના થોડા સમયથી ઉત્તર ભારતમાંથી પણ રોકાણ વધતું જોવા મળ્યું છે. અમેરિકન માર્કેટમાં વિદેશી રોકાણકારો IPOમાં રોકાણ કરી શકતા નથી, પણ લિસ્ટિંગ બાદ જે-તે કંપનીઓના શેર્સમાં રોકાણ થઇ શકે છે.