બજેટ પહેલા ટેક્સ કલેક્શનના મામલામાં સરકાર અને ટેક્સ પેયર્સ બંને માટે સારા સમાચાર છે. ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં દેશના કુલ પ્રત્યક્ષ કર સંગ્રહમાં (Direct Tax Collection) લગભગ 25 ટકાનો વધારો થયો છે. 10 જાન્યુઆરી સુધીના આંકડા અનુસાર ટેક્સ કલેક્શન 24.58 ટકા વધીને 14.71 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. રિફંડ પછી નેટ ટેક્સ કલેક્શન રૂ. 12.31 લાખ કરોડ રહ્યું હતું. જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળા કરતા 19.55 ટકા વધુ છે.
કુલ બજેટ અંદાજના 86.68% કર વસૂલાત
કરદાતાઓને ટેક્સ કલેક્શનમાં આ વધારાનો લાભ બજેટમાં આવકવેરા મુક્તિના રૂપમાં મળી શકે છે. કર વસૂલાત ચાલુ નાણાકીય વર્ષના કુલ બજેટ અંદાજના 86.68 ટકા છે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ટેક્સ કલેક્શન 14.20 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ હતો. એકંદર ધોરણે, કોર્પોરેટ ઇન્કમ ટેક્સ (CIT) કલેક્શનમાં 19.72 ટકાનો વધારો થયો છે, જ્યારે પર્સનલ ઇન્કમ ટેક્સ (PIT) 30.46 ટકા વધ્યો છે.
2.40 લાખ કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા છે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ નિવેદનમાં જણાવ્યું હતું કે, 10 જાન્યુઆરી, 2023 સુધીના ટેક્સ કલેક્શનના પ્રારંભિક આંકડા સતત વધારો દર્શાવે છે. CBDT મુજબ, આ સમયગાળા દરમિયાન પ્રત્યક્ષ કર સંગ્રહમાં પ્રત્યક્ષ કર વસૂલાત રૂ. 14.71 લાખ કરોડ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 24.58 ટકા વધુ છે. રિફંડને સમાયોજિત કર્યા પછી, CIT સંગ્રહમાં 18.33 ટકાનો ચોખ્ખો વધારો થયો હતો. નિવેદન અનુસાર, 1 એપ્રિલ, 2022 થી 10 જાન્યુઆરી, 2023 વચ્ચે, 2.40 લાખ કરોડ રૂપિયાના રિફંડ જારી કરવામાં આવ્યા છે. આ આંકડો પણ વાર્ષિક ધોરણે 58.74 ટકા વધારે છે.
આ વખતે આવકવેરા મુક્તિ મર્યાદા વધશે
નિષ્ણાતોને આશા છે કે આ વખતે ટેક્સ કલેક્શનના પ્રોત્સાહક આંકડાની અસર વર્ષ 2023-24ના બજેટમાં જોવા મળી શકે છે. 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ દેશનું સામાન્ય બજેટ નાણા મંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરવાના છે. લોકસભા ચૂંટણી પહેલા સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. આવી સ્થિતિમાં, આશા છે કે આ વખતે સરકાર આવકવેરા મુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે.