ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI) દ્વારા બજાજ ફાઇનાન્સ લિમિટેડને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ, ડીજીજીઆઈએ કંપનીને 341 કરોડ રૂપિયાની કથિત કરચોરી માટે આ નોટિસ મોકલી છે. રિપોર્ટ અનુસાર કંપનીને 850 કરોડ રૂપિયા ચૂકવવા પડી શકે છે. આ સમગ્ર એપિસોડ પર બજાજ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
શું છે સમગ્ર મામલો?
3 ઓગસ્ટે મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે બજાજ ફાઇનાન્સ લિમિટેડે ખોટી રીતે સર્વિસ ચાર્જને વ્યાજ ચાર્જ ગણાવ્યો હતો. 341 કરોડની કથિત કરચોરી બદલ કંપનીને 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. તે જ સમયે, જૂન 2022 થી માર્ચ 2024 સુધી દરરોજ 16 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. એકંદરે આ રકમ 850 કરોડ રૂપિયા થાય છે. રિપોર્ટ અનુસાર કંપનીને કુલ 160 પેજની નોટિસ મોકલવામાં આવી છે.
નિયમો શું કહે છે
મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સેન્ટ્રલ ટેક્સ નિયમો હેઠળ છૂટ મેળવવા માટે, બજાજ ફાઇનાન્સે સર્વિસ ચાર્જને વ્યાજ ચાર્જ તરીકે દર્શાવ્યો છે. ડીજીજીઆઈએ કહ્યું છે કે પ્રોસેસિંગ અથવા સર્વિસ ચાર્જ પર ટેક્સ વસૂલવામાં આવે છે. જ્યારે વ્યાજ પર કોઈ ટેક્સ લાગતો નથી. તમને જણાવી દઈએ કે, બજાજ ફાઈનાન્સ લિમિટેડ દેશની સૌથી મોટી કન્ઝ્યુમર ફાઈનાન્સ NBFC છે. કંપની પાસે 3.54 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે.
તપાસ ક્યારે શરૂ થઈ?
આ સમગ્ર મામલો ઓગસ્ટ 2022માં કેરળના કોઝિકોડમાં કંપનીના રિટેલ આઉટલેટ પર હાથ ધરવામાં આવેલી તપાસ બાદ સામે આવ્યો હતો. કંપનીને આપવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે બજાજ ફાઇનાન્સની 65 ઓફિસ દ્વારા ગ્રાહકોને લોન આપવામાં આવી છે. અને તેના પર ‘અપફ્રન્ટ ઈન્ટરેસ્ટ’ વસૂલવામાં આવ્યું છે.
શુક્રવારે સવારે શેરમાં વધારો થયો
બીએસઈમાં આજે કંપનીના શેર વધી રહ્યા છે. શેર સવારે રૂ. 6700ની ઇન્ટ્રા-ડે હાઈએ પહોંચ્યો હતો. 9.30 મિનિટની આસપાસ કંપનીના શેર 1 ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.