ટેલિકોમ ક્ષેત્રે 250 કરોડ રોકાણ આવશે
5-Gમાં દેશભરમાં ગુજરાત રોલમોડલ બનશે
ઝડપી વ્યાપ માટે લાઇફાઇ ટેક્નોલોજી વરદાનરૂપ સાબિત થશે
ભારતમાં 5જી સર્વિસીઝ શરૂ થવાની તૈયારીઓ પૂરજોશમાં થઇ રહી છે પરંતુ આ સર્વિસ શરૂ થવાની તારીખ, ઇન્સ્ટોલેશન પ્રક્રિયા બાબતે અનેક અવરોધો, મંજૂરી મેળવવાની લાંબી પ્રોસેસ અને અનેક મુદ્દાઓ ટેલિકોમ સેક્ટર તથા સરકાર માટે પડકારજનક બની રહ્યાં છે. ભારતે 4જી સર્વિસ શરૂ કરી ત્યારે બેકહોલ તરીકે માઇક્રોવેવ-મિલીમીટર વેવ રેડિયો ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી જે પડકારનો સામનો કરવાનો થાય છે તે અનુભવ કરી ચૂક્યા છે.આ તમામ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ટેલિકોમ ક્ષેત્રે 5-Gના ઝડપી વ્યાપ માટે લાઇફાઇ ટેક્નોલોજી વરદાનરૂપ સાબીત થશે.
ગુજરાતની અગ્રણી નવ વાયરલેસ ટેક્નોલોજી દ્વારા છેલ્લા પાંચેક વર્ષથી આ ટેક્નોલોજી પર કામ થઇ રહ્યું છે એટલું જ નહીં ગુજરાતમાં ડિફેન્સ, ફાર્મા, મેડિકલ-હોસ્પિટલ જેવા સેક્ટરમાં ટેક્નોલોજીની શરૂઆત થઇ ચૂકી છે. રાજ્ય સરકાર સાથે ગામડાઓને ડિજિટલ બનાવવા માટે સરકાર સાથે મળીને કામ કરવામાં આવ્યું છે ત્યારે હવે 5-જીમાં લાઇફાઇ એટલે કે ઓપ્ટિકલ વાયરલેસ કોમ્યુનિકેશન ટેક્નોલોજીની મદદથી ઝડપી સર્વિસનો લાભ મેળવી શકાશે. આ માટે કંપનીએ દેશભરમાં 2500 કરોડથી વધુનું રોકાણ કરશે જેમાં ગુજરાતમાં જ 250 કરોડનું રોકાણ કરી ગુજરાતને રોલમોડલ બનશે અને ઝડપી સર્વિસ શરૂ થઇ શકશે.
• 18 કંપનીઓ વિશ્વમાં ઓપ્ટિકલ વાયરલેસ કોમ્યુનિકેશનમાં પેટન્ટ ધારક
• ગુજરાત બેઝ્ડ ટેક્નોલોજી હોવાથી ગુજરાતમાં 5જી નેટવર્ક ઝડપી શરૂ થશે
• કેન્દ્ર-રાજ્યોની સરકાર તેમજ ટેલિકોમ ઓપરેટર સાથે મળી પ્રોજેક્ટ હાથ ધરાશે
• લાઇફાઇ દ્વારા ગુજરાતના ગામોમાં તથા ડિફેન્સ, ફાર્મા, હોસ્પિટલમાં સુવિધા
• 2500 કરોડથી વધુનું રોકાણ દેશમાં 5જીના ઝડપી વિસ્તરણ માટે કરાશે
લાઇફાઇ મોબાઇલ વાયરલેસ ટેક્નોલોજી છે જે ડેટા ટ્રાન્સમીટ કરવા માટે રેડિયો ફ્રિકવન્સીના બદલે લાઇટનો ઉપયોગ કરે છે. તે વિઝ્યુઅલ લાઇટ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરે છે જેને હેક કરવું દેખીતી રીતે શક્ય નથી. આ ટેક્નોલોજી ફાઇબર બેઝ્ડ નથી માટે ખોદકામ કે અન્ય કોઇ પ્રોસેસ નથી. દરેક જગ્યાએ ઇન્ટરનેટ ક્નેક્ટિવિટી સાથે હાઇ-સ્પીડ વોઇસ અને ડેટા પૂરો પાડવા માટે ઓપ્ટિક વાયરલેસ કોમ્યુનિકેશન દ્વારા ઝડપી વ્યાપ મેળવી શકાય છે.
તાજેતરમાં લોકસભામાં મુંબઈ-નોર્થના સાંસદ ગોપાલ શેટ્ટીએ સ્પીકર ઓમ બિરલાને પ્રશ્ન પૂછ્યો હતો કે શહેરી વિસ્તારોમાં ઓપ્ટિક ફાઈબરનું જે ખોદકામ ચાલે છે તેનાથી ઘણી સમસ્યાઓ ઊભી થાય છે તો શું સરકાર પાસે એવી કોઈ યોજના છે જેનાથી ટેક્નોલોજીની મદદથી કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ ખોદકામ વિના દૂર થાય? આ પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય સંચાર પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ખોદકામ વિના ઓપ્ટિક ફાઇબર બિછાવવા હાલ તો શક્ય નથી. ઇલેક્ટ્રિક થાંભલા પર તેને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાંય સફળતા મળી નહોતી.