વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા થાય છે
વડલાની પૂજા કરવાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
વડવાઈમાંથી સાવિત્રીના આશીર્વાદ મળતા હોવાની માન્યતા છે
વટ સાવિત્રી વ્રત રાખી વડલાની પૂજા કરવાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ વર્ષે વટ સાવિત્રી વ્રત 30મી મેના દિવસે અમાસના રોજ છે. વટ સાવિત્રી વ્રતમાં પરિણીત મહિલાઓ વડના વૃક્ષની પૂજા કરે છે અને તેમાં કાચું સૂતર લપેટે છે. ત્યારે વટ સાવિત્રી વ્રતમાં વડના ઝાડની પૂજા કેમ કરવામાં આવે છે તે મોટો સવાલ છે.
વટ સાવિત્રી વ્રતના મુહૂર્ત:
- અમાસની શરૂઆત: 29 મે, રવિવાર બપોરે 02:54 કલાકે
- અમાસનો અંત: 30 મે, સોમવાર સાંજે 04:59 કલાકે
- સર્વાર્થ સિદ્ધિ યોગ: સવારે 07:12 વાગ્યાથી શરૂ થશે
- સુકર્મા યોગ: વહેલી સવારથી શરૂ
શા માટે થાય છે વડલાની પૂજા?
વટ સાવિત્રી વ્રતના દિવસે વડના વૃક્ષની પૂજા કરવાથી પરિણીતાઓને અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનની પ્રાપ્તિ થાય છે. પતિનું આયુષ્ય લાંબુ થાય છે.પૌરાણિક કથાઓ અનુસાર સાવિત્રી પોતાના મૃત પતિનો જીવ વડના ઝાડ નીચે જ પરત લાવી હતી. તેના પતિવ્રતથી યમરાજ પ્રસન્ન થયા હતા અને આશીર્વાદ આપ્યા હતા. આ કારણે મહિલાઓ વડના વૃક્ષની પૂજા કરે છે.સંતાન પ્રાપ્તિ માટે પણ વટ સાવિત્રી વ્રતના દિવસે વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. સાવિત્રીએ યમરાજ પાસે 100 પુત્રોની માતા બનવાની ભેટ માંગી હતી. યમરાજે તેને વરદાન આપ્યું હતું, જેના કારણે સત્યવાનનું જીવન પણ તેને પાછું આપવું પડ્યું કારણ કે સત્યવાન વિના સાવિત્રી 100 પુત્રોની માતા ન બની શકે નહીં.
વડનું વૃક્ષ વિશાળ હોય છે, તેની વડવાઈ વિસ્તરે છે. આ વડવાઈમાંથી સાવિત્રીના આશીર્વાદ મળતા હોવાની માન્યતા છે. આ કારણે વટ સાવિત્રી વ્રતના દિવસે વડના ઝાડની પૂજા કરવામાં આવે છે.વડના ઝાડ પર દેવી-દેવતાઓનો વાસ હોય છે. વડના મૂળમાં બ્રહ્માજી, છાલમાં ભગવાન વિષ્ણુ અને ડાળીઓમાં ભગવાન શિવનું નિવાસ હોવાનું માનવામાં આવે છે. આ કારણે વડના વૃક્ષની પૂજા થાય છે અને એકસાથે ત્રિદેવના આશીર્વાદ મળે છે.ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન તીર્થરાજ પ્રયાગ સ્થિત ભારદ્વાજ ઋષિના આશ્રમમાં ગયા હતા. ત્યાં તેમણે વડના વૃક્ષની પણ પૂજા કરી હતી. વડના વૃક્ષને અક્ષયવટ તરીકે પણ ઓળખવામાં આવે છે