- આજે માં સરસ્વતીની પુજા કરવાનું અનેરું મહત્વ
- પાંચમ તિથિએ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી
- સરસ્વતીના જન્મ સાથે જ પૃથ્વી પર જ્ઞાનની શરૂઆત થઈ
આજે વસંતપંચમી છે. આ દિવસે સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. પુરાણો પ્રમાણે, મહા મહિનાની પાંચમ તિથિએ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી, પરંતુ એ સર્જનમાં જ્ઞાનનો અભાવ હતો. સરસ્વતીના જન્મ સાથે જ પૃથ્વી પર જ્ઞાનની શરૂઆત થઈ. જે દિવસે સરસ્વતી પ્રગટ થયા એ દિવસે વસંતપંચમી હતી, તેથી જ આ દિવસ જ્ઞાન એટલે નોલેજનો ઉત્સવ છે.
સરસ્વતીની પૂજા એ માત્ર પરંપરા નથી, જીવનને સાચી દિશામાં લઈ જવાની શરૂઆત છે, કારણ કે જ્ઞાન વિના જીવનનો કોઈ અર્થ નથી. આ તહેવાર જીવનની સૌથી મોટી 5 મહત્ત્વની બાબત જણાવે છે. આ તહેવાર સમજાવે છે કે શા માટે સરસ્વતીની પૂજા કરવી જરૂરી છે. આ દેવી જ્ઞાન આપે છે. જ્ઞાન જીવનમાં સફળતા લાવે છે. જીવનની 5 સૌથી મહત્ત્વપૂર્ણ બાબતો વસંતપંચમી સાથે સંબંધિત છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે સૃષ્ટિની રચના પછી આદ્યશક્તિએ પોતાને પાંચ ભાગમાં વહેંચ્યાં હતાં. આ પાંચ ભાગ છે રાધા, પદ્મા, સાવિત્રી, દુર્ગા અને સરસ્વતી. તે સમયે ભગવાનના કંઠથી દેવી સરસ્વતી પ્રકટ થયાં હતાં. વાક, વાણી, ગિરા, ભાષા, શારદા, વાચા, વાગ્દેવી સરસ્વતીના જ નામ છે. દેવી સરસ્વતીની પૂજા વ્યક્તિગત રીતે કરવી જોઈએ. દેવી ભાગવતમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રીં હ્રીં સરસ્વત્યૈ સ્વાહા, આ મંત્ર દ્વારા દેવીનું પૂજન કરવું જોઈએ. દેવી પૂજનમાં સફેદ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. પ્રાચીન સમયમાં આ તિથિએ બાળકોનો વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવતો હતો.