નિર્જળા એકાદશીનું વ્રત જેઠ મહિનાના સુદ પક્ષની અગિયારમી તિથિએ કરવામાં આવે છે.
આ વ્રત ભારતમાં ગરમીની ઋતુ દરમિયાન આવે છે
આ દિવસે જળ દાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે.
આ વ્રત અમુક સ્થાને 10 જૂને તો અમુક જગ્યાએ 11 જૂનના રોજ રહેશે. મહાભારત, સ્કંદ અને પદ્મ પુરાણ પ્રમાણે નિર્જળા એકાદશીનું વ્રત જેઠ મહિનાના સુદ પક્ષની અગિયારમી તિથિએ કરવામાં આવે છે. આ વ્રત દરમિયાન સૂર્યોદયથી લઈને બીજા દિવસ સુધી બારસ તિથિના સૂર્યોદય સુધી પાણી પીધા વિના રહેવાનું વિધાન છે. આ કારણે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. ગ્રંથોમાં ઉલ્લેખ છે કે આ વ્રતને વિધિ-વિધાન સાથે કરનાર લોકોની ઉંમર વધે છે અને મોક્ષ મળે છે.
પાણીનું મહત્ત્વ સમજાવી અને તેના દુરૂપયોગને રોકવા માટે પુરાણોમાં નિર્જળા એકાદશી વ્રતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વ્રત ભારતમાં ગરમીની ઋતુ દરમિયાન આવે છે. તેમાં આખો દિવસ પાણી પીવામાં આવતું નથી. આવું કરવાથી જાણવા મળે છે કે પાણી વિના એક દિવસ રહેવું કેટલું મુશ્કેલ હોય છે. આ દિવસે જળ દાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે.
નિર્જળા એકાદશી વ્રતની પૂજા વિધિ:
- આ વ્રતમાં એકાદશી તિથિના સૂર્યોદયથી બીજા દિવસે બારસ તિથિના સૂર્યોદય સુધી પાણી પીવામાં આવતું નથી અને ભોજન પણ ગ્રહણ કરવામાં આવતું નથી.
- એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને તીર્થ સ્નાન કરવું જોઇએ. જો તે શક્ય ન હોય તો ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું.
- ત્યાર બાદ ભગવાન વિષ્ણુની પૂજા, દાન અને આખો દિવસ વ્રત રાખવાનો સંકલ્પ લેવો જોઇએ.
- ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવી જોઇએ.
- પીળા કપડા પહેરીને પૂજા કરવી.
- પૂજામાં પીળા ફૂલ અને પીળી મીઠાઈ જરૂર સામેલ કરવી જોઇએ.
- ત્યાર બાદ ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. શ્રદ્ધા અને ભક્તિથી કથા સાંભળી જોઇએ.
- પાણીથી કળશ ભરો અને તેને સફેદ વસ્ત્રથી ઢાંકીને રાખો. તેના ઉપર ખાંડ તથા દક્ષિણા રાખીને બ્રાહ્મણને દાન કરો.