રંભા ત્રીજ વ્રત કરવાથી મહિલાઓને સૌભાગ્ય મળે છે
આ દિવસે શિવ-પાર્વતી પૂજાનું મહત્ત્વ વધી જશે
પૌરાણિક કથાઓ પ્રમાણે અપ્સરા રંભાએ આ વ્રત કર્યું હતું
પરણિતાઓ સોળ શ્રૃંગાર કરી સૌભાગ્ય માટે રાખે છે રંભા ત્રીજનું વ્રત: જાણો શું છે તેનું મહત્વ
હિંદુ ધર્મ ગ્રંથો પ્રમાણે જેઠ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિને રંભા ત્રીજ અથવા રંભા તૃતીયા વ્રત કહેવામાં આવે છે.ગુરુવાર હોવાથી આ દિવસે શિવ-પાર્વતી પૂજાનું મહત્ત્વ વધી જશે. પરણિતાઓ સૌભાગ્ય માટે આ વ્રત રાખે છે. મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર, સૌભાગ્ય અને સંતાન સુખની ઇચ્છાથી આ વ્રત કરે છે. આ વ્રતમાં ભગવાન શિવ-પાર્વતી સાથે લક્ષ્મીજીની પૂજા પણ કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ પ્રમાણે અપ્સરા રંભાએ આ વ્રત કર્યું હતું. એટલે તેને રંભા ત્રીજ કહેવામાં આવે છે.તીર્થ સ્થાન અથવા પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરે છે.
આ દિવસે મહિલાઓ સૌભાગ્ય પ્રાપ્તિ માટે આખો દિવસ વ્રત રાખે છે અને સોળ શ્રૃંગાર કરે છે. આ વ્રતમાં મહેંદી લગાવવાનું વિશેષ મહત્ત્વ છે. રંભા ત્રીજ વ્રતમાં મહિલાઓ સૌભાગ્ય સામગ્રીઓ એટલે શ્રૃંગારની વસ્તુઓનું દાન પણ કરે છે. આ સિવાય આ વ્રતમાં માટીના વાસણમાં પાણી ભરીને દાન કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે ઘરે જ શિવ, પાર્વતી અને ગણેશજીની આરાધના કરીને ઘરના વડીલોના આશીર્વાદ લેવામાં આવે છે. ઘરની વડીલ મહિલાઓને શ્રૃંગારની વસ્તુઓ અને મીઠાઈ આપવામાં આવે છે.
વ્રતનું મહત્ત્વ:
રંભા ત્રીજ વ્રત કરવાથી મહિલાઓને સૌભાગ્ય મળે છે. પતિની ઉંમર વધે છે. સંતાન સુખ મળે છે. આ દિવસે વ્રત રાખવા અને દાન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. રંભા ત્રીજ કરનારી મહિલાઓ નિરોગી રહે છે. તેમની ઉંમર અને સુંદરતા બંને વધે છે. જે ઘરમાં આ વ્રત કરવામાં આવે છે. ત્યાં સમૃદ્ધિ અને શાંતિ રહે છે.