સ્કંદ અને ભવિષ્ય પુરાણ પ્રમાણે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પર્વ છે.
ભગવાન શિવ-પાર્વતી, વિષ્ણુજી અને વડના ઝાડની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે
દિવસમાં અનાજ અને જળનું દાન કરવું જોઈએ.
આજ 14 જૂનના રોજ જેઠ મહિનાની પૂનમ છે. સ્કંદ અને ભવિષ્ય પુરાણ પ્રમાણે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પર્વ છે. આ પર્વમાં તીર્થ સ્નાન, દાન અને વ્રત કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. દરેક પ્રકારના પાપ અને દોષ દૂર થઈ જાય છે.આ પૂર્ણિમાએ ભગવાન શિવ-પાર્વતી, વિષ્ણુજી અને વડના ઝાડની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે. એટલે જેઠ મહિનાની પૂનમને ધર્મગ્રંથોમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.જેઠ મહિનાની પૂનમ તિથિએ તીર્થ સ્નાન સાથે જ તર્પણ અને શ્રદ્ધા પ્રમાણે અનાજ તથા જળ દાન કરવામાં આવે છે. આવું કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. જેઠ મહિનાની આ પૂનમની તિથિએ સવારે જલ્દી જાગીને તીર્થ સ્નાન કરવું જોઈએ. તે પછી સૂર્યને અર્ઘ્ય આપીને પિતૃઓની શાંતિ માટે તર્પણ કરવું જોઈએ.
તે પછી બ્રાહ્મણ ભોજન અને જળદાનનો સંકલ્પ લેવો જોઈએ. દિવસમાં અનાજ અને જળનું દાન કરવું જોઈએ. આવું કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને પરિવારમાં સમૃદ્ધિ આવે છે.સ્કંદ અને ભવિષ્ય પુરાણ સિવાય અન્ય ગ્રંથોમાં પણ જેઠ મહિનાની પૂનમને ખૂબ જ ખાસ જણાવવામાં આવે છે. મોટાભાગે આ દિવસે શ્રદ્ધાળુઓ ગંગા જળ લઇને અમરનાથ યાત્રા માટે રવાના થાય છે. જેઠ મહિનામાં ગરમી ખૂબ જ વધારે હોય છે એટલે ઋષિઓએ પૂનમના દિવસે અનાજ અને જળના દાનનું વિધાન જણાવ્યું છે. પૂનમ તિથિએ તીર્થ સ્નાન અને જળની પૂજાનું પણ ખાસ મહત્ત્વ છે. જેથી ઋષિ-મુનીઓએ બોધપાઠ આપ્યો છે કે જળના મહત્ત્વને ઓળખો અને તેનો સદુપયોગ કરો.