સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવ કરશે
10 જુલાઈએ દેવશયની એકાદશી
હવે ભગવાન વિષ્ણુ આરામ કરશે
10 જુલાઈએના રોજ દેવશયની એકાદશી છે. આ તિથિથી દેવઊઠી એકાદશી સુધી ભગવાન વિષ્ણુ આરામ કરે છે. આ લગભગ ચાર મહિનાનો સમય છે અને તેને ચાતુર્માસ કહેવામાં આવે છે. ચાતુર્માસમાં વિષ્ણુજી આરામ કરે છે, આ કારણે આ ચાર મહિનામાં લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ જેવા શુભ માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ચાતુર્માસ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે. એક માન્યતા પ્રમાણે ચાતુર્માસમાં વિષ્ણુજી પાતાળ લોકમાં બલિને ત્યાં રહીને પાતાળની રક્ષા કરે છે. આ અંગે પ્રચલિત કથા પ્રમાણે પ્રાચીન સમયમાં અષાઢ સુદ બારસના દિવસે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો. વામન દેવે રાજા બલિ પાસેથી ત્રણ પગમાં જમીન દાન માગી લીધી હતી. ત્યારે વામન દેવને બલિએ ત્રણ પગ જમીન આપવાનું વચન આપ્યું હતું. વામન દેવે બે પગમાં ધરતી અને આકાશ માપી લીધા ત્યારે રાજા બલિએ ત્રીજો પગ રાખવા માટે પોતાનું માથું આગળ કરી દીધું હતું.
રાજા બલિની દાન વીરતાથી પ્રસન્ન થઈને વિષ્ણુજીએ વલિને પાતાળ લોકના રાજા બનાવી દીધા હતાં. તે સમયે રાજા બલિના કહેવાથી વિષ્ણુજીએ તેમને પાતાળ લોકની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. પોતાનું વચન પૂર્ણ કરવા માટે દર વર્ષે વિષ્ણુજી પાતાળ લોકમાં રાજા બલિને ત્યાં રહીને પાતાળની રક્ષા કરે છે.
ચાતુર્માસ અંગે માન્યતા છે કે આ ચાર મહિનામાં વિષ્ણુજી આરામ કરે છે અને શિવજી સૃષ્ટિનો કાર્યભાર સંભાળે છે. ચાતુર્માસમાં શિવજીની ખાસ પૂજા કરવાની પરંપરા છે. આ ચાર મહિનામાં શિવજી પૃથ્વીનું ભ્રમણ કરે છે અને જે ભક્ત તેમને શિવપૂજા કરતા જોવા મળે, તેમની મનોકામનાઓ શિવજી પૂર્ણ કરે છે.