ગુટલીબાજ કર્મી સામે યુનિવર્સિટીનો ‘કડક’ પરિપત્ર
વર્ગ 1થી 4ના કર્મીને લાગુ પડશે આ પરિપત્ર
ત્રીજી વખત 10 મિનિટ મોડા આવશે તો તેનો અડધા દિવસનો પગાર કપાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિયત સમયે અધિકારી કે કર્મચારી હાજર નહીં હોવાની વિદ્યાર્થીઓએ અનેક ફરિયાદો કરી છે. આ ઉપરાંત યુનિવર્સિટીના કેટલાક ગુટલીબાજ કર્મચારી ગમે ત્યારે ઓફિસે આવે તો ગમે ત્યારે જતા રહે તેની સામે હવે યુનિવર્સિટીએ કડક વલણ દાખવતો પરિપત્ર મંગળવારે કર્યો છે.યુનિવર્સિટીના મહેકમ વિભાગે મંગળવારે કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, વર્ગ 1થી 4ના કર્મચારી કચેરીના નિયત સમય કરતા 10 મિનિટ મોડા આવે અને આવું એક મહિનામાં બે વખત થાય તો ચલાવી લેશે પરંતુ ત્રીજી વખત 10 મિનિટ મોડા આવશે તો તેનો અડધા દિવસનો પગાર કાપી લેવામાં આવશે.યુનિવર્સિટીના નિયમિત કર્મચારી કે અધિકારી માટે કચેરીનો સમય સવારે 10.30થી સાંજે 6.10 સુધીનો રહેશે.
વર્ગ-4ના કર્મચારી માટે સવારે 10થી સાંજે 6.45 રહેશે. કાયમી કર્મચારી કે અધિકારી પણ મહિનામાં જો ત્રીજી વખત ઓફિસના નિર્ધારિત સમયથી 10 મિનિટ મોડા આવશે તો અડધા દિવસનું મહેનતાણું કાપી લેવાશે.જ્યારે એપ્રેન્ટિસ કે આઉટસોર્સિંગના સ્ટાફ માટે સવારે 10.30થી સાંજે 6.10 સુધી અને વર્ગ-4ના સ્ટાફ માટે સવારે 10થી સાંજે 6.45 સુધીનો સમય રહેશે. જો કોઈ સ્ટાફને અનિવાર્ય કારણોસર બપોરબાદ અડધા દિવસ માટે આવવાનું થાય તો તેઓએ બપોરે 2 વાગ્યા પહેલા ઓફિસમાં હાજર થવું પડશે. અને બપોરબાદ બહાર જવાનું થાય તો તેમના નિયત સમયે આવવાનું અને બપોરે 2.30 કલાકે જવાનું રહેશે જેનું અડધા જ દિવસનું મહેનતાણું મળશે. ગુટલીબાજ કર્મીઓ સામે યુનિ.એ કડક વલણ દાખવ્યું છે.