વાવણીને લઇને હવામાન વિભાગની આગાહી
આ વર્ષે વાવણી લાયક રહેશે વરસાદ – હવામાન વિભાગ
દેશમાં 103 ટકા જેટલો વરસાદની સંભાવના
કાળઝાળ ગરમી વચ્ચે હવે તો બસ વરસાદની જ રાહ જોવાઇ રહી છે. જો કે હજી બે દિવસ બફારો રહેશે અને તાપમાનમાં સામાન્ય વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. પરંતુ ખેડૂતો માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે વરસાદને લઇને આગાહી કરતા જણાવ્યુ કે આ વર્ષે વાવણી લાયક વરસાદ થશે.
ગુજરાતમાં 15થી 20 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થશે તેમ આગાહી કરવામાં આવી છે. કેરળમાં ચોમાસુ બેસી ગયુ છે. પરંતુ પ્રિમોન્સૂન એક્ટિવિટી જેવુ વાતાવરણ હજી જોવા મળ્યુ નથી. પરંતુ આગાહી મુજબ 15 જૂનથી વરસાદ આવી શકે છે. ત્યારે હવામાન વિભાગે આાગહી કરી કે ગુજરાતમાં આ વર્ષે વાવણી લાયક વરસાદ થશે.
ગુજરાતમાં ચોમાસુ આ વર્ષે સારુ રહેશે. જૂન મહિનામાં ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં બેસી જશે અને જૂન મહિનામાં જ સામાન્ય વરસાદથી ચોમાસાની શરૂઆત થશે. ચોમાસુ 1 જૂનથી બેસવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં 2 દિવસ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળશે. તો સમગ્ર દેશમાં પણ ચોમાસુ સારૂં રહેવાની સંભાવના વ્યક્ત કરી. દેશમાં 103 ટકા જેટલો વરસાદ પડવાની સંભાવના છે તેમ જણાવ્યું હતું.
રાજ્યમાં છેલ્લાં 3-4 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એવામાં હવામાન વિભાગ પણ ચોમાસાને લઇને સતત આગાહી કરી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે ચોમાસાને લઇને આગાહી કરતા જણાવ્યું કે, ‘આજે કેરળમાં વરસાદ વરસી શકે છે. તો ગુજરાતમાં 1 અને 2 જૂનના રોજ ગરમીમાં વધારો થશે. રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી અસર નહિવત જોવા મળી રહી છે. પરંતુ રાજ્યમાં બે દિવસ બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
હવામાન વિભાગ દ્વારા કચ્છ- સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં દરિયામાં તોફાની પવનની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ સેવાઇ રહી છે જેને પગલે પોરબંદર પંથકના સાગરખેડુ-માછીમારોને દરિયો ન ખેડવા અંગે સબંધિત વિભાગ દ્વારા સૂચન જારી કરાયુ છે.મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહીને લઇને દ્વારકા-પોરબંદરના દરિયામાં મહદઅંશે કરંટ પણ જોવા મળી રહ્યો છે.