સાઉથ સિનેમાની ફિલ્મ ‘મેજર’ ઘણાં સમયથી ચર્ચામાં
આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું
દર્શકો ‘મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન અમર રહે’ના નારા લગાવતા જોવા મળે છે
સાઉથ સિનેમાની ફિલ્મ ‘મેજર’ ઘણાં સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ ટૂંક સમયમાં જ થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મની સ્ટોરી મુંબઈ સ્થિત હોટેલ ‘તાજ’માં જે આતંકવાદી હુમલો થયો હતો તેમાં શહીદ થયેલા બાહોશ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનનાં જીવન ઉપર આધારીત છે. ફિલ્મ મેકર્સ આ ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યાં છે. જયપુર ખાતે આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં દર્શકો ફિલ્મ જોઈને ખૂબ જ ભાવુક થઈ ગયેલા અને રડતાં જોવા મળ્યા હતા. ‘મેજર’ના અભિનેતા આદિવી શેષે જયપુર ખાતે યોજવામાં આવેલા સ્ક્રીનિંગનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે.
આદિવી શેષ સોશિયલ મીડિયાના માધ્યમથી ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યાં છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ફિલ્મના જયપુર ખાતેના સ્ક્રીનિંગનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં થિયેટરમાં બેઠેલા લોકો ફિલ્મ જોઈને રડતાં દેખાય છે. એટલું જ નહીં, દર્શકો આ ફિલ્મ જોયા બાદ શહીદ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનને યાદ કરીને ‘ભારત માતા કી જય’ના નારા લગાવતા પણ જોવા મળે છે.
આ સાથે જ કેટલાક દર્શકો ‘મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન અમર રહે’ના નારા લગાવતા જોવા મળે છે અને ફિલ્મની અભિનેત્રી શોભિતા ધૂલિપાલા પણ ઈમોશનલ થતી જોવા મળે છે. સોશિયલ મીડિયા ઉપર આ ભાવુક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મમાં મેજર સંદીપ કૃષ્ણનના બાળપણથી શરૂ કરીને તેઓ મેજર બન્યા ત્યાં સુધીની યાત્રા બતાવવામાં આવી છે.
ફિલ્મમાં મુંબઈમાં 26/11નો જે આતંકવાદી હુમલો થયો હતો તે પણ દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મ દ્વારા બહાદુર ઓફિસરોને શ્રદ્ધાંજલી આપવામાં આવી છે. મેજર ફિલ્મનું ડાયરેક્શન શશિ કિરણ ટિક્કાએ કર્યું છે અને આદિવી શેષ, સાઈ માંજરેકર, શોભિતા ધૂલિપાલા, પ્રકાશ રાજ, રેવતી અને મુરલી શર્મા તેમાં લીડ રોલમાં છે. આ ફિલ્મ આગામી 3 જૂનના રોજ રિલીઝ થવાની છે.