વટ સાવિત્રી પરિણીતાઓનું પર્વ છે
સુકર્મા, વર્ધમાન અને કેદાર યોગમાં આવનાર આ પર્વ વધારે ખાસ બની જશે.
અમાસના દિવસે મહિલાઓ વડના ઝાડ ઉપર જળ ચઢાવીને તેના થડમાં કાચો દોરો બાંધે છે.
શનિ જયંતી અને વટ સાવિત્રી અમાસ 30 મેના રોજ એકસાથે ઊજવવામાં આવશે. જે અખંડ સૌભાગ્યની કામના સાથે વ્રત રાખનારી મહિલાઓ અને શનિ ભક્તો માટે મંગળકારી રહેશે. આ દિવસે કરવામાં આવેલ તીર્થ સ્નાન, દાન અથવા પવિત્ર નદીના જળથી સ્નાન કરવાથી અનેકગણું પુણ્ય મળે છે. આ પર્વમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન અને જળદાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે.અમાસનો પ્રવેશ સર્વાર્થસિદ્ધિ યોગમાં રહેશે. ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં રહેશે અને સૂર્યોદય સમયે બુધાદિત્ય યોગ આ દિવસની શુભતામાં વૃદ્ધિદાયક રહેશે.સાથે જ, સુકર્મા, વર્ધમાન અને કેદાર યોગમાં આવનાર આ પર્વ વધારે ખાસ બની જશે. સોમવાર હોવાથી આ દિવસે સોમવતી અમાસનો શુભયોગ પણ રહેશે.
વૈશાખ અમાસના દિવસે શનિદેવનો પ્રકટોત્સવ છે. જે ન્યાયના અધિપતિ દેવ છે. શનિ સાથે જોડાયેલાં દોષથી રાહત મેળવવા માટે વૈશાખ અમાસ ખૂબ જ ખાસ દિવસ હોય છે. શનિદેવ સારા કર્મ કરનાર લોકોથી પ્રસન્ન રહે છે. તેમની કૃપા મેળવવાનો એક સહજ ઉપાય એવો પણ છે કે વૃદ્ધ, રોગી, દિવ્યાંગ અને અસહાય લોકોની મદદ કરો અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો.વટ સાવિત્રી અમાસ પરિણીતાઓ માટે ખાસ દિવસ હોય છે. આ દિવસે સાવિત્રીએ પૂજા કરીને યમદેવને પ્રસન્ન કર્યા અને પતિ સત્યવાનના પ્રાણની રક્ષા કરી હતી. પતિની લાંબી ઉંમર અને પરિવારની સમૃદ્ધિ માટે અમાસના દિવસે મહિલાઓ વડના ઝાડ ઉપર જળ ચઢાવીને તેના થડમાં કાચો દોરો બાંધે છે. પછી વટ વૃક્ષની પૂજા કરે છે. તે પછી સૌભાગ્ય અને સમૃદ્ધિની કામના સાથે ઝાડની પરિક્રમા કરે છે.