આટકોટ કાર્યક્રમને લઇ ઢગલાબંધ ગાડીઓ સાથે રિહર્સલ
રાજકોટ એરપોર્ટ પર CM અને પાટીલ વડાપ્રધાનનું સ્વાગત કરશે
આટકોટ ખાતે વડાપ્રધાન મોદી હોસ્પિટલનું કરશે લોકાર્પન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમાંય ખાસ કરીને જસદણના આટકોટ ગામે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન કાલે રાજકોટ એરપોર્ટથી હેલિકોપ્ટરમાં હવાઈ માર્ગે આટકોટ પહોંચશે. જોકે બાય રોડ જવાનું થાય તો તેના માટે આજે પોલીસ અને કલેક્ટર તંત્ર દ્વારા ઢગલાબંધ ગાડીઓ સાથે રાજકોટ એરપોર્ટથી આટકોટ સુધી રિહર્સલ કરવામાં આવ્યું હતું. દરમિયાન જાણવા મળ્યા પ્રમાણે કાલે સવારે મોદી દિલ્હીથી ફ્લાઈટમાં રાજકોટ એરપોર્ટ ઉપર પહોંચશે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ તેમનું સ્વાગત કરશે. બાદમાં અહીંથી રશિયન હેલિકોપ્ટર મારફતે આટકોટ પહોંચશે.
આ માટે રશિયન હેલિકોપ્ટરનું રિહર્સલ રન કરાવાયું છે. રાજકોટમાં મોદી એરપોર્ટ બહાર નહીં નીકળે છતાં તમામ ઈમરજન્સી વ્યવસ્થા કરવામાંઆવી છે. કલેક્ટર અને પોલીસ તંત્ર છેલ્લી ઘડી સુધીની તૈયારીમાં વ્યસ્ત બની ગયું છે. આટકોટમાં મોદીની સભામાં અંદાજિત 3 લાખ લોકો એકઠા થશે અને આ માટે વ્યવસ્થાના ભાગરૂપે 3500 સ્વયંસૈનિકો સભાસ્થળ પર તૈનાત રહેશે. આટકોટ ખાતે નવનિર્મિત હોસ્પિટલ અને સભાસ્થળ તેમજ પાર્કિંગ સ્થળ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ નેતાઓ ચાર હેલિકોપ્ટર મારફતે આટકોટ જવા રવાના થશે. આ માટે હેલિકોપ્ટરોએ પોતાની રન પણ પૂર્ણ કરી લીધી છે. કાલે સવારે 9:30 વાગ્યે મોદી દિલ્હીથી રાજકોટ એરપોર્ટ ઉપર લેન્ડ કરશે. આ માટે આજથી જ એરપોર્ટ ઉપર વધારાનો પોલીસ બંદોબસ્ત ઉપરાંત SPG કમાન્ડોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત આસપાસના બિલ્ડિંગ ઉપર સ્નાઈપરને પણ ગોઠવી દેવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. PM મોદીના કાર્યક્રમ અંગે હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી અને ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યં્ હતું. તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રે આ હોસ્પિટલ સ્વરૂપે મોટી ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાડા ચાર વર્ષ પહેલાં જાહેરસભા કરી હતી ત્યારપછી 28 મેના રોજ જાહેરસભા સંબોધશે. અહીં તેમની સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં એકપણ સરકારી બસનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. 250 કરતા વધુ ખાનગી બસમાં લોકો સ્વયંભૂ આવશે.