27માં પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવે ચાર્જ સંભાળ્યો
આજે રાજકોટ પહોંચતા સર્કિટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
DCP, ACP સહિતના અધિકારીઓ હાજર રહ્યા
રાજકોટમાં આજે 27માં પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવે ચાર્જ સંભાળ્યો હતો. આજે સર્કિટ હાઉસ ખાતે તેમનું ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આજે મીડિયાને સંબોધતા રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે,રાજકોટ પોલીસની ખરડાયેલી છબીને સુધારવા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જનતા સાથે મળીને પડકારોનો ઉકેલ લાવવામાં આવશે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવાની એ મારી પ્રાથમિકતા છે. ખાસ તો પોલીસને બને તેટલો વધુ સહકાર આપવા રાજકોટના શહેરીજનોને અપીલ કરું છું. રાજકોટની ટ્રાફિકની સમસ્યાથી હું વાકેફ છું, જેનો મહદઅંશે દૂર કરવા પ્રયત્ન કરીશ. રાજકોટ પોલીસની ખરડાયેલી છબીને સુધારવા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવશે. જે ઉમ્મીદથી મને અહીં મુકાયાં છે તે મુજબ પારદર્શક પોલીસનો અભિગમ સાર્થક કરીશ.
રાજકોટ પોલીસ કમિશનરનો ચાર્જ અહેમદ ખુરશીદ પાસે હતો. ત્યારે રાજુ ભાર્ગવની નિમણૂંક થતા તેમને આ ચાર્જ માંથી મુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 3 મહિના કરતાં વધુ સમયથી ઈન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે ખુરશીદ અહમદ કાર્યરત હતા ત્યારે શહેરના ઈતિહાસમાં ક્યારેય એવું બન્યું નથી કે આટલા સમય સુધી કાયમી પોલીસ કમિશનર ન હોય
રાજકોટના વેપારી જગજીવન સખીયા પાસેથી પોલીસ દ્વારા કથિત રીતે કરવામાં આવેલા ‘કમિશન કાંડ’ બાદ રાજ્ય સરકારે 3 મહિના પહેલાં તાત્કાલિક પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ પીટીસીમાં બદલી કરી નાખી હતી. આ બદલી બાદ રાજકોટમાં ઈન્ચાર્જ પોલીસ કમિશનરથી જ કામ ચલાવાતું હોવાથી કાયમી પોલીસ કમિશનર મુકવા માટે માંગ દિવસેને દિવસે બુલંદ બની રહી હતી. 2 દિવસ પહેલા હર્ષ સંઘવીની રાજકોટ મુલાકાત દરમિયાન જ રાજકોટમાં નવા પોલીસ કમિશનર મુકી દેવામાં આવ્યા છે. આ જવાબદારી 1995 બેચના આઈપીએસ અધિકારી રાજુ ભાર્ગવને સોંપવામાં આવી છે. જેમણે આજે પોતાનો ચાર્જ સાંભળ્યો છે.