એલપીજી ડીલર્સને પરવાના લેવામાંથી મુક્તિ મળી
હવે પુરવઠા અધિકારીઓ મનમાની નહીં કરી શકે
રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો
કોઈ પણ એલપીજીના વેચાણ કરવા માટે જે-તે એજન્સીને પરવાનો મેળવવો પડતો હોય છે. આ પરવાનાને આધારે હજારો ડીલર્સ ગેસના બાટલા રજિસ્ટર્ડ ગ્રાહકોને ગેસના બોટલ આપી શકે છે. જો કે આ પ્રોસેસ દરમિયાન ક્યારેય જો ગેસના બાટલાને લગતી સમસ્યા ઊભી થાય તો તેવા સંજોગોમાં પુરવઠા અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ડીલર્સના પરવાના રદ્દ કરી દેવામાં આવતા હતા. જો કે આજ રોજ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે એલપીજી ડીલર્સને પરવાના લેવામાંથી મુક્તિ આપવામાં આવશે.
આ નિર્ણયને કારણે રાજ્યના હજારો એલપીજી ડીલર્સને ફાયદો થશે. રાજ્ય સરકાર આ અંગે જાહેરાત કરી છે જેમાં વર્ષ ૧૯૮૧થી ચાલ્યા આવતાં કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના હજારો એલપીજી ડીલર્સને ફાયદો થશે તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યૂટી (આબકારી જકાત)માં ઘટાડો કરી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાવામાં આવ્યા છે ત્યારે સૌકોઈની મીટ હવે રાજ્ય સરકાર તરફ મંડાઈ છે કે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારના નિર્ણય બાદ પોતાની હાજરી પુરાવશે.
સૌકોઈ અપેક્ષા રાખી રહ્યા છે કે ગુજરાત સરકાર પણ વેટમાં ઘટાડો કરીને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા નાણાં વિભાગના વિશ્વસનીય અને ઉપરી સૂત્રો સાથે વાત કર્યા બાદ માહિતી સામે આવી રહી છે કે ગુજરાત સરકાર પેટ્રોલ તથા ડીઝલના ભાવ ઘટાડવાના મૂડમાં હાલ નથી. હાલના તબક્કે અન્ય 11 રાજ્યની સરખામણીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા હોવાના ક્રમમાં ગુજરાત ત્રીજા ક્રમે આવે છે, ત્યારે સરકારની કોઈપણ પ્રકારની ગતિવિધિ ભાવ ઘટાડવાને લઈને જોવા મળતી નથી, પરંતુ આગામી સમયમાં જો રાજકીય દબાણ વધે છે તો તેવા સંજોગોમાં ગુજરાત સરકાર પોતાના નિર્ણયમાં ફેરફાર કરી શકે એવી સંભાવના જોવા મળી રહી છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાને બદલે રાજ્ય સરકાર ઈન્ડસ્ટ્રિયલ સીએનજીના ભાવ ઘટાડવા અંગે આગામી સમયમાં વિચારણા કરી શકે છે. જોકે હાલ આ મુદ્દો માત્ર વિચાર પૂરતો જ નાણાં વિભાગના અધિકારીઓના મન સુધી સીમિત છે, પરંતુ જરૂર જણાયે ઈન્ડસ્ટ્રિયલ સીએનજીના ભાવમાં ઘટાડવા અંગે પણ સરકાર આગામી સમયમાં મંત્રણા કરી શકે છે.