એક વ્યક્તિના શોખે પોતાને બનાવ્યો કુતરો
આબેહુબ કુતરાનું બનાવડાવ્યું કોસ્ચ્યુમ
ઝેપેટ નામની કંપનીએ બનાવ્યું 12 લાખમાં કોસ્ચ્યુમ
જાણકારી અનુસાર જાપાનના આ વ્યક્તિનું નામ ટોકો છે. આ માણસને કૂતરા જેવો દેખાવાનો એટલો શોખ હતો કે તેણે તેના માટે 2 મિલિયન યેન( અંદાજીત 12 લાખ રૂપિયા ) ખર્ચી નાખ્યા. આટલા પૈસા ખર્ચ્યા બાદ તેણે એવો કોસ્ચ્યૂમ બનાવ્યો છે, જે પહેરીને તે કૂતરા જેવો દેખાય છે. અને તેના લીધે તે ઓળખાતો પણ નથી કે સાચે એ માણસ છે. ટોકોએ ડોગ બન્યા બાદ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી તસવીરો પણ શેર કરી છે.
કોઈ વ્યક્તિની આવી તસવીરો જોઈને તમે વિચારતા હશો કે તેણે આવું કેમ કર્યું? હકીકતમાં, તે માણસ નાનપણથી જ પ્રાણીઓને પ્રેમ કરતો હતો. તે હંમેશાં એક પ્રાણીની જેમ જીવવા માંગતો હતો. પ્રાણીઓમાં તેને કૂતરાઓ પણ સૌથી વધુ પસંદ હતા. પોતાના આ શોખને કારણે તેણે સ્પેશિયલ ઇફેક્ટ્સ વર્કશોપ ઝેપપેટનો સંપર્ક કર્યો હતો અને પોતાના માટે અલ્ટ્રા રિયાલિસ્ટિક ડોગ કોસ્ચ્યુમ બનાવ્યો હતો.
ઝેપેટે આ માણસની ઇચ્છા અનુસાર કૂતરાનો પોશાક ડિઝાઇન કર્યો હતો. તેને પહેર્યા પછી, તે આબેહુબ કૂતરા જેવું લાગતું હતું. આ પોશાકમાં બેઠેલી વ્યક્તિને કોઈ ઓળખી શકતું નહતું. દરેક વ્યક્તિ એમ જ વિચારે કે તે ખરેખર એક કૂતરો છે. જો કે આવો પરફેક્ટ કોસ્ચ્યુમ બનાવવો સહેલો નહોતો. પરંતુ ઝેપેટે તે માણસની ઇચ્છા પૂરી કરવામાં કોઈ કસર છોડી ન હતી.
ઝેપેટ કંપનીના જણાવ્યા અનુસાર, તેમણે કોસ્ચ્યુમ બનાવવામાં સિન્થેટિક ફરનો ઉપયોગ કર્યો છે. આ ખાસ કોસ્ચ્યૂમ બનાવવામાં કંપનીને 40 દિવસનો સમય લાગ્યો હતો. કંપનીએ આ કોસ્ચ્યુમના બદલામાં તગડી રકમ પણ વસૂલી હતી, આ કોસ્ચ્યુમના બદલામાં કંપનીએ તે વ્યક્તિ પાસેથી કુલ 2 મિલિયન યેન એટલે કે લગભગ 12 લાખ રૂપિયા લીધા હતા.