આવતી કાલે નરેશ પટેલ કરી શકે છે મોટી જાહેરાત
નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે કે નહીં તે ચિત્ર સ્પષ્ટ થશે
આવતી કાલે નરેશ પટેલે મીડિયાને કર્યુ છે આમંત્રિત
ખોડલધામના ચેરમેન અને પાટીદાર આગેવાન નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે, કઇ પાર્ટીમાં જોડાશે તે અંગે છેલ્લા ત્રણ મહિનાથી અનેક વાતો વહેતી થઇ હતી, નરેશ પટેલે પણ પોતે રાજકારણમાં જોડાવા ઇચ્છુક છે તેવી વાત કર્યા બાદ મુદત પર મુદત નાખી અનેક રહસ્યો સર્જ્યા હતા ત્યારે બુધવારે નરેશ પટેલે મીડિયા કર્મચારીઓને સામેથી આમંત્રિત કર્યા છે, નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે કે નહીં તે એ દિવસે સ્પષ્ટ થઇ જશે તેવા સંકેતો મળી રહ્યા છે.
નરેશ પટેલે પોતે રાજકારણમાં જોડાવા ઇચ્છુક છે, પરંતુ તેમણે રાજકારણમાં જોડાવું જોઇએ કે નહીં તે માટે તમામ સમાજના લોકોનો વિચાર જાણવા સરવે શરૂ કરાવ્યો છે અને સરવેના અંતે પોતે નિર્ણય સ્પષ્ટ કરશે તેવી જાહેરાત કરી હતી. ત્રણ મહિના પૂર્વે કરેલી આ વાત બાદ નરેશ પટેલને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ પોતાના પક્ષમાં જોડાવવા આમંત્રણ આપ્યા હતા, રાજકોટ આવેલા તમામ પક્ષના નેતાઓએ બંધબારણે નરેશ પટેલ સાથે બેઠક કરી હતી, પરંતુ રાજકારણમાં જોડાશો કે નહીં, જોડાશો તો ક્યા પક્ષમાં જોડાશો તેવા પ્રશ્નોના જવાબ નરેશ પટેલે દર વખતે ટાળ્યા હતા અને નવી મુદત પાડતા રહેતા હતા.
દિલ્હીમાં પણ નેતાઓની મુલાકાત કરીને પરત આવતા નરેશ પટેલ મીડિયા સમક્ષ જોખીજોખીને બોલતા હતા, અને મીડિયાના કર્મીઓ સામેથી સંપર્ક કરવાનો પ્રયાસ કરતા ત્યારે તેમનો સંપર્ક થઇ શકતો નહોતો, આમ પટેલ હેતુપૂર્વક રહસ્ય સર્જી રહ્યા હતા, પરંતુ તા.25ને બુધવારે સાંજે નરેશ પટેલે તેમના ફાર્મહાઉસે મીડિયા કર્મચારીઓ સાથે સ્નેહમિલન યોજ્યું છે, આમંત્રણમાં તો માત્ર સ્નેહમિલનનો જ ઉલ્લેખ છે પરંતુ તા.28ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આટકોટ આવી રહ્યા છે તે પૂર્વે નરેશ પટેલ પોતાનું રાજકીય ચિત્ર સ્પષ્ટ કરી દેશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.