તમારા મનમાં ક્યારેક તો વિચાર આવ્યો જ હશે કે વાહનોના (Vehicles) એક જ રંગના ટાયર કેમ નથી બનાવાતા?? શા માટે બધા ટાયર કાળા રંગના હોય છે?? આવો જાણીએ તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ…
ઓટો મોબાઈલ ક્ષેત્રની શરૂઆતના તબક્કામાં ટાયર કાચા રબરમાંથી બનાવવામાં આવતા હતા
વૈજ્ઞાનિક રિસર્ચ અનુસાર, સાદા રબરનું બનેલું ટાયર માત્ર 8 હજાર કિલોમીટર સુધી ચાલી શકે છે
પ્રોસેસ્ડ કરેલું રબર કેટલું મજબૂત હશે તે કાર્બનના ગ્રેડ પર આધારિત છે.
વિશ્વમાં ઘણા વિવિધ રંગો (Colors) જોવા મળે છે. તમામ લોકોને રંગબેરંગી વસ્તુઓ ખૂબ જ ગમે છે. પરંતુ તમે જોયું જ હશે કે જાહેર રસ્તા (Public Roadways) પર તમામ રંગોના વાહનો જોવા મળે છે, પરંતુ બધા વાહનોના ટાયર માત્ર કાળા રંગના જ જોવા મળે છે. બીબીસીના એક રિપોર્ટ અનુસાર, ઓટો મોબાઈલ ક્ષેત્રની શરૂઆતના તબક્કામાં ટાયર કાચા રબરમાંથી બનાવવામાં આવતા હતા. તમે જાણતા જ હશો કે, રબરનો કુદરતી રંગ કાળો નથી હોતો. કુદરતી રબર (Natural Rubber) સફેદ રંગનું હોય છે. પરંતુ, શું તમે જાણો છો કે, કુદરતી રબરના બનાવેલા ટાયર ખૂબ જ ઝડપથી ઘસાઈ જાય છે.
આ પછી જ્યારે વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું તો તેમને જાણવા મળ્યું કે જો રબરમાં કાર્બન અને સલ્ફર મિક્સ કરવામાં આવે તો તે ખુબ મજબૂત બને છે. કાચું રબર ગરમ કર્યા બાદ એટલે કે નોર્મલ પ્રોસેસિંગ બાદ, હળવા પીળા રંગનું જોવા મળે છે. મજબૂત ટાયર બનાવવા માટે, આ હળવા પીળા રંગના રબરના પ્રવાહીમાં કાર્બન ઉમેરવામાં આવે છે. તેના કારણે ટાયર ઝડપથી બગડતું નથી. તમે જાણતા જ હશો કે, કાર્બનનો રંગ કાળો હોય છે. તેથી જ્યારે રબરમાં કાર્બન ઉમેરવામાં આવે છે, ત્યારે રબર પણ કાળું થઈ જાય છે. આ કાર્બન તત્ત્વ ટાયરને સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ બચાવે છે.
વૈજ્ઞાનિક રિસર્ચ અનુસાર, સાદા રબરનું બનેલું ટાયર માત્ર 8 હજાર કિલોમીટર સુધી ચાલી શકે છે, જ્યારે કાર્બનાઇઝ્ડ કરેલું રબરનું ટાયર લગભગ 1 લાખ કિલોમીટર સુધી ચાલી શકે છે. રબરમાં કાર્બનની ઘણી શ્રેણીઓ પણ ઉમેરી શકાય છે. આ પ્રોસેસ્ડ કરેલું રબર કેટલું મજબૂત હશે તે કાર્બનના ગ્રેડ પર આધારિત છે.
અમે તમને જણાવી દઈએ કે, બ્લેક કાર્બનની ઘણી શ્રેણીઓ હોય છે. પ્રોસેસ્ડ કરેલું રબર નરમ હશે કે સખત, તે તેના પર નિર્ભર રહેશે કે તેમાં કયા ગ્રેડનો કાર્બન ઉમેરવામાં આવ્યો છે. સોફ્ટ રબરના ટાયરમાં મજબૂત પકડ હોય છે પરંતુ તે ઝડપથી ઘસાઈ જાય છે, જ્યારે સખત ટાયર સરળતાથી ઘસાઈ જતા નથી અને લાંબા સમય સુધી ટકી રહે છે.
તમને એ બાબત પણ ચોક્કસ ધ્યાનમાં આવી હશે કે, બાળકોની સાયકલમાં સફેદ, પીળા અને અન્ય રંગોના ટાયર હોય છે. તેનું કારણ એ છે કે બાળકોની સાયકલ રસ્તા પર વધુ ફરતી નથી. આ કારણે, બાળકોની સાયકલમાં બ્લેક કાર્બન ઉમેરવામાં આવતું નથી, તેથી આ ટાયર લાંબા સમય સુધી ટકી શકતા નથી અને ઝડપથી ઘસાઈ જાય છે. બાળકોની સાયકલ પણ ઓછા અંતર માટે ચાલે છે, તેથી તેના ટાયરના ઘસારાનું જોખમ પણ ઓછું જોવા મળે છે.