કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક
બંધ બારણે બેઠક, બાદમાં નરેશ પટેલ પાછલા બારણેથી રવાના
કોંગ્રેસ સાથેની બેઠકને લઈ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું
કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓની ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક, બાદમાં નરેશ પટેલ પાછલા બારણેથી રવાના. આજરોજ કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની વિસ્તૃત કારોબારીની બેઠક યોજાનાર છે. તે પહેલા કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ સાથે ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલની બંધ બારણે બેઠક યોજાતા અનેક તર્કવિતર્ક ઉઠયા છે. અને નરેશ પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસ સાથે જોડાય તેવી અટકળો વહેતી થઈ છે. જો કે હંમેશની માફક કોંગ્રેસનાં નેતાઓએ પણ આ એક ઔપચારિક મુલાકાત હોવાનું રટણ કર્યું હતું. જ્યારે નરેશ પટેલ તો બેઠક બાદ મીડિયાથી મોઢું છુપાવી પાછલા બારણેથી રવાના થઈ ગયા હતા. ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલનાં રાજકારણ પ્રવેશ અંગે લાંબા સમયથી અનેક અટકળો ચાલી રહી છે. જો કે નરેશ પટેલ આ માટે તારીખ પે તારીખ આપી રહ્યા છે. અને મગનું નામ મરી પાડતા નથી.
અને માત્ર વિવિધ પક્ષના નેતાઓ સાથે બંધ બારણે બેઠકો યોજી રહ્યા છે. ત્યારે ફરી એકવખત આવી જ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નરેશ પટેલનાં ફાર્મ ખાતે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના ધુરંધર નેતાઓ પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પૂર્વ કોંગ્રેસ પ્રમુખો અર્જુનભાઈ મોઢવાડીયા, અમિત ચાવડા સહિતનાં હાજર રહ્યા હતા. આ બેઠકને લઈને મોટી નવા – જૂનીના એંધાણની અને ખોડલધામ નરેશનાં કોંગ્રેસ પ્રવેશની વાતો પણ વહેતી થઈ હતી. જો કે હંમેશની માફક આ વખતે પણ નરેશ પટેલ સહિત કોંગ્રેસનાં નેતાઓએ ઠંડુ પાણી રેડી દીધું હતું.
અને આ મુલાકાત માત્ર ઔપચારિક મુલાકાત હોવાનું કોંગ્રેસનાં નેતાઓએ જણાવ્યું હતું. જો કે નરેશ પટેલ મીડિયા સાથે વાત કર્યા વિના રવાના થઈ ગયા હતા. નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માટે હાઇકમાન્ડ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું નામ નહીં આપવાની શરતે કોંગી નેતાઓ પણ સ્વીકારી રહ્યા છે. ત્યારે હવે નરેશ પટેલ ક્યારે કોંગ્રેસનો ‘હાથ’ ઝાલશે તેનાં પર લોકો મીટ માંડી બેઠા છે. ઉલ્લેખનીય છે કે, આજે બપોરે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની વિસ્તૃત કારોબારીની બેઠક પણ મળી રહી છે. જેમાં આગામી ચૂંટણીને લઈને મહત્વની રણનીતિ ઘડવામાં આવનાર છે.