કોર્ટે 4 વર્ષ પહેલા આપેલા પોતાના ચુકાદાને બદલ્યો છે
34 વર્ષ જૂના રોડરેજના કેસમાં નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટે 1 વર્ષની સખત સજા કરી છે
સિદ્ધુ વિરુદ્ધ રોડરેજનો મામલો વર્ષ 1988નો છે
34 વર્ષ જૂના રોડરેજના કેસમાં પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રેસિડન્ટ નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટે 1 વર્ષની સખત સજા કરી છે. સિદ્ધુએ કરેલા હુમલામાં એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. કોર્ટે 4 વર્ષ પહેલા આપેલા પોતાના ચુકાદાને બદલ્યો છે. તે સમયે સિદ્ધુને 1 હજાર રૂપિયાનો દંડ કરીને છોડી મુકવામાં આવ્યો હતો.
સિદ્ધુની હવે ક્યાં તો ધરપકડ કરવામાં આવશે અથવા તો પછી તે સરન્ડર કરશે. પંજાબ પોલીસે આ મામલામાં કાયદાનું પાલન કરવું પડશે. સુપ્રીમ કોર્ટે સિદ્ધુને સરેન્ડર કે ધરપકડ બાબતે કોઈ રોક આપી નથી. સિદ્ધુએ આજે જ જેલમાં જવું પડશે. સિદ્ધુને સજા કાપવા માટે પટિયાલા જેલમાં મોકલવામાં આવી શકે છે. સિદ્ધુ થોડીવાર પહેલા જ પટિયાલા સ્થિત પોતાના ઘરે પહોંચી ગયા છે.
આ મામલામાં નવજોત સિદ્ધુની પ્રતિક્રિયા આવી ગઈ છે. તેમણે ટ્વિટ કર્યું કે ચુકાદો સ્વીકાર્ય છે. સિદ્ધુ હાલ પટિયાલામાં છે. તે લીગલ ટીમ સાથે આગળના પગલાને લઈને ચર્ચા કરી શકે છે. જે સમયે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અને સજા સંભળાવવામાં આવી રહી હતી, સિદ્ધુ મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકારની વિરુદ્ધ દેખાવો કરી રહ્યાં હતા. સિદ્ધુએ હાથી પર બેસીને દેખાવો કર્યા હતા. સપ્ટેમ્બર 2018માં તેમણે સજાની વિરુદ્ધ રિવ્યુ અરજી કરી હતી.
હાલ એવી ચર્ચા થઈ રહી છે કે સિદ્ધુની પાસે હવે જેલમાં જવાથી બચવા માટે કોઈ રસ્તો નથી. તેમણે જેલમાં જવું જ પડશે. પંજાબ સરકાર તેમને પટિયાલા જેલમાં મોકલી શકે છે. અહીં જાણીતી અકાલી નેતા બિક્રમ મજીઠિયા પણ ડ્રગ્સ કેસમાં બંધ છે. જો સિદ્ધુને પણ અહીં જ મોકલવામાં આવ્યો તો પછી જેલમાં તેમનો સામનો મજીઠિયા સાથે થઈ શકે છે.
સિદ્ધુ વિરુદ્ધ રોડરેજનો મામલો વર્ષ 1988નો છે. સિદ્ધુનો પટિયાલામાં પાર્કિગ બાબતે 65 વર્ષના ગુરુનામ સિંહ નામની વૃદ્ધ વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. એવો આરોપ છે કે બંને વચ્ચે મારામારી થઈ હતી,જેમાં સિદ્ધુએ કથિત રીતે ગુરુનામ સિંહને મુક્કો માર્યો હતો. પછીથી ગુરુનામ સિંહનું મૃત્યુ થયું હતું. પોલીસે નવજોત સિંહ સિદ્ધુ અને તેમના એક મિત્ર રૂપિંદર સિંહ સિદ્ધુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.
એ પછીથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન સેશન કોર્ટે નવજોત સિંહ સિદ્ધુને પુરાવાનો અભાવ હોવાનું કહીને 1999માં નિર્દોષ છોડ્યો હતો. એ પછીથી પીડિત પક્ષ સેશન કોર્ટના ચુકાદાની વિરુદ્ધ હાઈકોર્ટમાં ગયો હતો. વર્ષ 2006માં હાઈકોર્ટે આ મામલામાં નવજોત સિંહ સિદ્ધુને ત્રણ વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયાના દંડની સજા કરી હતી.
હાઈકોર્ટે કરેલી સજાની વિરુદ્ધ નવજોત સિંહ સિદ્ધુ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે 16 મે 2018ના રોજ સિદ્ધુને ઈરાદ વગરની હત્યાના આરોપમાં લાગેલી કલમ 304IPCમાં નિર્દોષ છોડ્યો હતો. જોકે IPCની કલમ 323 એટલે કે ઈજા પહોંચાડવાના મામલામાં સિદ્ધુને દોષિત ઠેરવ્યો હતો. તેમાં તેને જેલની સજા થઈ નહોતી. સિદ્ધુને માત્ર એક હજાર રૂપિયાનો દંડ ફટકારીને છોડી દેવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની વિરુદ્ધ હવે મૃતકના પરિવારે રિવ્યુ અરજી દાખલ કરી છે. તેમની માગ છે કે હાઈકોર્ટની જેમ સિદ્ધુને 304 IPC અંતર્ગત કેદની સજા થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે આ અરજીને સ્વીકારી છે, જેની પર આજે ચુકાદો આવ્યો છે.