વર્લ્ડ મ્યુઝિયમ-ડે થી ત્રિદિવસીય કોન્ફરન્સનો પ્રારંભ કરાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
વિવિધ દેશોના યુનેસ્કોના પ્રતિનિધિઓની વિશેષ ઉપસ્થિતી
વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ આજે થશે શરૂ
રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે વડનગરના ઐતિહાસિક વિરાસતને દુનિયાનું શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટીનેશન બનાવવાના નિર્ધાર સાથે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કેન્દ્રના આર્કિયોલોજી વિભાગ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૧૮થી ૨૦મે દરમિયાન ત્રિ-દિવસીય પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨નું આયોજન કરાયું છે. જેમાં વિશ્વના વિરાસત પ્રેમીઓને વડનગરમાં આવેલું ગુજરાતની શાન એવું કિર્તી તોરણ, તાનારીરીની સમાધિ, શર્મિષ્ઠા તળાવ, બૌદ્ધ વિરાસત, પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર તેમજ પુરાતત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન મળી આવેલા વિવિધ ઐતિહાસિક સ્થાનોથી માહિતગાર કરાશે. આજ તા.૧૮ થી ર૦ મે-ર૦રર ના ત્રણ દિવસો દરમ્યાન યોજાનારી આ કોન્ફરન્સનું આયોજન ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા કેન્દ્રીય સાંસ્કૃતિક વિભાગ મંત્રાલયના સંયુકત ઉપક્રમે કરવામાં આવેલું છે.
આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ વડનગરના પુરાતન ઐતિહાસિક મહત્વ, સ્થાપત્ય વારસો, નગર રચના જેવી મહત્વપૂર્ણ બાબતોને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં વિશ્વ સમુદાય સમક્ષ ઉજાગર કરીને વડનગરને ‘‘લેન્ડ માર્ક હેરિટેજ ડેસ્ટિનેશન’’ તરીકે વિકસીત કરવા માટેની વ્યૂહરચના અને આપસી વૈચારિક આદાન-પ્રદાનનું સક્ષમ પ્લેટફોર્મ બનશે.ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવત્તિ વિભાગ તથા સંગ્રહાલય નિયામકના ઉપક્રમે યોજાનારી આ કોન્ફરન્સના સફળ આયોજન માટે રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશનમાં સમગ્ર વિભાગ સતત કાર્યરત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ઉજવાઇ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનારી આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં વડાપ્રધાનની વતન ભૂમિ એવા વડનગરના પુરાતત્વીય વૈભવ વારસાને પ્રવાસન વૈવિધ્ય ધામ તરીકે વિકસાવવા અંગેનું સામૂહિક વિચાર-મંથન થવાનું છે.આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં જે વિવિધ વિષયોના ચર્ચાસત્રો યોજાઇ રહ્યા છે
તેમાં વડનગરના ઇતિહાસ, વિરાસત અને સાંસ્કૃતિક મહત્તા, વડનગરના પુરાતત્વીય સ્થળો, જળવ્યવસ્થાપન, જળસંગ્રહની પરંપરાગત પદ્ધતિઓ, બુદ્ધિસ્ટ હેરિટેજ, પુરાતત્વીય સંગ્રહાલયોના વિકાસ માટે વૈશ્વિક સંભાવનાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રિય કક્ષાના ૮ અને રાષ્ટ્રિય કક્ષાનાા ર૦ જેટલા વકતાઓ, યુનેસ્કોના પ્રતિનિધિઓ, સાહિત્યકારો, ઇતિહાસવિદો, પુરાતત્વવિદો, વડનગરના નગરજનો, સેપ્ટ યુનિવર્સિટી, આઇ.આઇ.ટી ગાંધીનગર, ડેક્કન કોલેજ પૂના સહિતના વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવા વિદ્યાર્થીઓ સહિત અંદાજે બે હજારથી વધુ લોકો સહભાગી થશે.આ ત્રિદિવસીય કોન્ફરન્સના અન્ય આકર્ષણોમાં ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા આર્ટ ફેકટસ એક્ઝિબિશન, વડનગર ચાર્ટર ઓન હેરિટેજ ટુરિઝમ, ફાઇન આર્ટસના વિદ્યાર્થીઓએ વડનગરના વિવિધ પહેલુઓ રજુ કરતા બનાવેલા સ્કેચ ચિત્રોની પ્રદર્શની ઉપરાંત કોન્ફરન્સના અંતિમ દિવસ એટલે કે તા.ર૦મી મે એ વડનગરના દર્શનીય સ્થાનોની પ્રત્યક્ષ મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું છે.