રાજકોટમાં લગ્ન પ્રસંગમાં સ્ટેજ પર દારુની રેલમછેલ
વરરાજાને પણ પીવડાવ્યો દારૂ
દારૂની રેલમ છેલમનો વિડિયો વાયરલ
હાલ રાજ્યભરમાં લગ્નની ફૂલ મોસમ ચાલી રહી છે, ઠેરઠેર માંડવા બાંધેલા અને ડીજેના તાલ પર નાચતા જાનૈયા જોવા મળી જાય છે. આવામા રાજકોટના લગ્ન પ્રસંગનો કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્ટેજ પર ઉભેલા વરરાજાને દારુ પીવડાવવામાં આવી રહ્યો છે. એક તરફ રાજ્યમાં દારુબંધી છે તેમ છતાં છાસવારે દારુ પકડતા હોવાના કિસ્સા સામે આવતા રહે છે. તાજેતરમાં રાજકોટ પોલીસ દ્વારા દારુ ભરેલા ટ્રક માટે પાઈલોટિંગ કરવામાં આવ્યું હોવાની ઘટનાએ પણ પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો હતો. રાજકોટમાં લગ્ન પ્રસંગમાં સ્ટેજ પર ડાન્સની મસ્તી અને વરરાજાને દારુ પીવડાવવામાં આવી રહ્યો હોવાનો વીડિયો સામે આવતા પોલીસ દ્વારા ઘટનાની ખરાઈ કરીને જવાબદારો સામે પગલા ભરવામાં આવી શકે છે. આ વીડિયો શહેરના પરસાણાનગરનો છે. 14મી મેના રોજ યોજાયેલા લગ્ન પ્રસંગો આ વિડીયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ વિડીયો રોકેટ ગતિએ વાયરલ થઈ રહ્યો છે જેમાં દેખાય છે કે કેટલાક લોકો સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છે જેમાં એક વ્યક્તિ વરરાજા પાસે પહોંચીને બોટલમાંથી જ સીધો દારુ પીવડાવી રહ્યો છે.
રાજકોટના લગ્ન પ્રસંગનો વીડિયો હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે, ત્યારે શહેર પોલીસ દ્વારા આ અંગે આગામી સમયમાં વીડિયોના આધારે પરસાણાનગરમાં તાજેતરમાં આયોજાયેલા લગ્નના કાર્યક્રમોની તપાસ કરીને જો આ મામલે હકીકત જણાશે તો જરુરી કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે લગ્ન પ્રસંગ સુધી દારુ કઈ રીતે લાવવામાં આવ્યો શું આની પાછળ શહેરના કોઈ બુટલેગરનો હાથ છે કે નહીં તે દિશામાં પણ રાજકોટ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. આ પ્રકારના કેસમાં પોલીસ માટે તપાસ કરવી મહત્વની બની જતી હોય છે કારણ દારુબંધી હોવા છતાં શહેરમાં દારુ પહોંચી રહ્યો છે અને આ રીતે જાહેરમાં પીવાય ત્યારે પોલીસની ઈજ્જતના ધજાગરા ઉડવાની સાથે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠતા હોય છે. રાજ્યમાં દારુબંધી હોવાથી તહેવારો, પ્રસંગો અને વર્ષના અંતમાં તથા નવા વર્ષની શરુઆતમાં દારુની રેલમછેલ થતી હોવાના કિસ્સા સામે આવતા રહ્યા છે. હવે રાજકોટના પરસાણાનગરમાં બનેલી ઘટનામાં પોલીસ તપાસ બાદ જ હકીકત સામે આવશે.