ત્રિપુરાની રાજનીતિમાં ભૂકંપ
મુખ્યમંત્રીએ ધરી દીધું રાજનામું
પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહ્યા છે બિપ્લબ દેવ
ત્રિપુરામાં મોટી રાજકીય ઉથલપાથલ મચી છે, રાજ્યના મુખ્યમંત્રી બિપ્લબ દેવે અચાનક પોતાના પદ પરથી રાજીનામું ધરી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. મળતી જાણકારી પ્રમાણે, વર્ષ 2018માં બિપ્લબ દેવ મુખ્યમંત્રી બન્યા હતા. જો કે, આજે રાજીનામું ધરી દેતા ટૂંક સમયમાં નવા નેતાની ચૂંટણી યોજાશે. જેને લઈને ધારાસભ્ય દળની બેઠક પણ આજે સાંજે 5 કલાકે યોજાવાની છે. જણાવી દઈએ કે, ત્રિપુરી ભાજપ શાસિત રાજ્ય છે.
રાજીનામું આપવાને લઈને બિપ્લબ દેવે મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે, પાર્ટીનો નિર્ણય સર્વોપરી રહેશે, દિલ્હી હાઈકમાન્ડના આદેશ પ્રમાણે રાજીનામું આપેલ છે. સાથે જ તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે, 2023ની ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવામાં આવશે.
એપ્રિલ 2018માં બિપ્લબ દેવ એક વિવાદત નિવેદનથી ચર્ચામાં આવ્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે ઈન્ટરનેટ અને સેટેલાઈટ તો મહાભારત કાળમાં પણ કાર્યરત હતા. અગાઉ બે દિવસ પહેલા જ બિપ્લબ દેવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેમણે આ નિર્ણય લીધો હતો.
અગાઉ 15થી 17 નેતાઓનુ ગ્રુપ ભાજપ હાઈકમાન્ડ સાથે મળવા આવ્યું હતું અને બિપ્લબ દેવ વિરુદ્ધ હાઈકમાન્ડને ફરિયાદ કરી હતી, કે સીએમ સૌને સાથે લઈને કામ નથી કરતા, જો કે, તે સમયે ભાજપ હાઈકમાન્ડે આ નેતાઓની વાત માની નહોતી અને તેમણે બિપ્લવ દેવ પર કોઈ કાર્યવાહી કરી નહોતી, જો કે નારાજ થયેલા નેતાઓ વધારે બળવો થયો અને પરિણામ સ્વરૂપ બે નેતાઓને પાર્ટી છોડીને અન્ય દળમાં જોડાઈ ગયા હતા.