પાટણના ભાટસણમાં અનુસુચિત જાતિના વરઘોડા પર પથ્થરમારો
પોલીસ બંદોબસ્ત સાથે ફરી વરઘોડો નીકળ્યો
વરઘોડા પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો
ગુજરાતમાં ફરી એક્વાર વર્ગ વિગ્રહ સામે આવ્યો છે. પાટણના ભાટસણ ગામમાં કેટલાક શખ્સોએ અનુસુચિત જાતિના યુવકના લગ્નના વરઘોડા પર પથ્થરમારો કર્યો હતો. જેમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે, ત્યારબાદ પોલીસ બંદોબસ્ત સાથે ફરીથી વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામે ગુરુવારે સવારે 9 વાગ્યા આસપાસ અનુસૂચિત જાતિના વિજય રામજી પરમાર લગ્ન પ્રસંગે ગામમાં ડીજે સાથે વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો હતો. ત્યારે કેટલાક શખ્સોએ વરઘોડા ઉપર પથ્થરમારો કરતા નાસભાગ મચી જવા પામી હતી. પથ્થરમારાના અચાનક હુમલાને લઇ ચાર જેટલા વરઘોડીયા ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા.
લગ્ન પ્રસંગમાં બનેલી આ ઘાંઘલ ધમાલને લઇ થોડા સમય માટે ગામમાં અજંપાભરી સ્થિતિ સર્જાઇ હતી. જેને લઇ પોલીસનો બંદોબસ્ત ગોઠવતા મામલો શાંત પડયો હતો. ત્યારબાદ પોલીસના બંદોબસ્ત વચ્ચે ફરી વરઘોડો વાજતે ગાજતે કાઢવામાં આવ્યો હતો અને વરરાજાની જાન સાપ્રા ગામે ગઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આમ જાન ફરી નીકળતા જોડાયેલા સૌ જાનૈયાઓએ હાશકારો અનુભવ્યો હતો.