મહેસૂલ વિભાગે 7/12ના ઉતારામાં કર્યો ધરખમ ફેરફાર
નવી 7/12ની નકલ હવે મળશે બારકોડવાળી
બારકોડ સ્કેન કરી ઘરે બેઠા જ ખેડૂતો મેળવી શકશે 7/12ની નકલ
ગુજરાત સરકારે મહેસૂલી પ્રક્રિયાને સરળ બનાવવા તાજેતરમાં જ પ્રજાલક્ષી નિર્ણય લીધો હતો. જેમાં જણાવ્યું હતું કે, હવે નવી-જૂની શરતના ઊભા થતા પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિવારણ થઇ જશે. ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે 7/12ના ઉતારામાં ધરખમ ફેરફાર કર્યો છે. જે અંતર્ગત ખેડૂતોને હવે 7/12ના ઉતારાની નકલ કઢાવવા તાલુકા મથકે જવાની જરૂર નહીં પડે.
ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેનાથી ખેડૂતોની મુશ્કેલી વધુ સરળતાથી હલ થઇ જશે. એટલે કે મહેસૂલ વિભાગના રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 7/12ના ઉતારાની નકલમાં મોટો ફેરફાર કરાયો છે. જે અંતર્ગત હવેથી ખેડૂતોને નવી 7/12ની નકલ બારકોડવાળી મળી જશે. જેમાં ખેડૂતો બારકોડ સ્કેન કરીને ઘરે બેઠાં જ 7/12ની નકલ મેળવી શકશે.
આ નકલમાં જમીનનો નકશો અને ક્ષેત્રફળનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારના ખેડૂતલક્ષી હકારાત્મક નિર્ણય બાદ હવે ખેડૂતોએ વારંવાર 7/12ના ઉતારાની નકલ કઢાવવા તાલુકા મથકે જવાની જરૂર નહીં પડે. જો કે, તમને જણાવી દઇએ કે, આ કામગીરીની શરૂઆત આણંદ જિલ્લાથી કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં નવા ફેરફાર સાથે આ કામગીરી શરૂ કરી દેવાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણ તથા વહીવટમાં પારદર્શિતાના મહત્વપૂર્ણ જનહિતકારી નિર્ણયો કર્યા છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, મહેસૂલી વહીવટમાં સરળીકરણની ભલામણો માટે રચાયેલી સી.એલ. મીના સમિતિના અહેવાલનો મહદ્દઅંશે સ્વીકાર કરતા મુખ્યમંત્રીએ આ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી ગુડ-ગવર્નન્સ-સુસાશનની આગવી પરિપાટીને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહેસૂલ વિભાગના જુના પુરાણા વર્ષો જુના અને નાબુદ થયેલા 24 જેટલા વિવિધ ઈનામ નાબૂદી કાયદાઓના સંદર્ભમાં નવી/જુની શરતની અસમંજસતાથી ઉદભવતા લોકોના પ્રશ્નોનું સરળ અને પારદર્શી નિરાકરણનો અભિગમ અપનાવ્યો છે. અગાઉ આ સંદર્ભમાં કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાને કારણે આવા ઉભા થતા પ્રશ્નોના નિવારણ માટે અરજદારોને રાજ્ય કક્ષા સુધી આવવું પડતું હતુ. પરિણામે મહેસૂલ વિભાગની કામગીરીનું ભારણ વધતું અને જુદા જુદા અર્થઘટનોને કારણે આવા પ્રશ્નોના નિવારણમાં ખૂબ વિલંબ થતો હતો