વિદેશોમાં ઇન્સ્ટાગ્રામની સાથે સ્નેપચેટ પણ સખત પોપ્યુલર છે
સ્નેપચેટનાં પિક્સી ડ્રોન કદમાં ટચૂકડાં અને હળવાં છે
યુએસમાં ડ્રોનનું વજન ૨૫૦ ગ્રામથી વધુ હોય તો લેવી પડશે મંજૂરી
આપણા દેશમાં ફેસબુક અને તેના કરતાં પણ હવે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની બોલબાલા છે. પરંતુ વિદેશોમાં ઇન્સ્ટાગ્રામની સાથોસાથ સ્નેપચેટ પણ સખત પોપ્યુલર છે. ઘણી વાર એવું બને છે કે સ્નેપચેટમાં આવેલા ફીચરની ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં કોપી કરવામાં આવે છે. થોડા સમય પહેલાં સ્નેપચેટે સ્પેક્ટેકલ્સ નામે ઇમેજ અને વીડિયો કેપ્ચર કરી સ્નેપચેટ પર શેર કરી શકાય એવાં ગોગલ્સ લોન્ચ કર્યાં હતાં.જે હવે ફેસબુક પણ આપે છે અને હવે કંપનીએ હવામાં ઊડતા ડ્રોનની મદદથી સેલ્ફી લઈ શકાય તેવા કેમેરા લોન્ચ કર્યા છે!પિક્સી તરીકે ઓળખાતા આ ડ્રોન અત્યારે યુએસ અને ફ્રાન્સમાં ઉપલબ્ધ થઈ ગયા છે.
આપણે આ ડ્રોન ખરીદ્યા પછી તેને હવામાં ઊડતા કરીએ એ પછી ડ્રોન આપોઆપ આપણી નજીક હવામાં તરતા રહીને વીડિયો કેપ્ચર કરવાનું શરૂ કરે છે. વીડિયો ડ્રોનમાંથી વાયરલેસ રીતે એપમાં ટ્રાન્સફર થાય છે. કામ પૂરું થયા પછી ડ્રોન હળવેકથી આપણી હથેળીમાં લેન્ડ કરે છે! સ્નેપચેટનાં આ પિક્સી ડ્રોન કદમાં ટચૂકડાં અને હળવાં છે. આ ડ્રોનને ડાયરેક્ટ કંટ્રોલ કરી શકાતાં નથી પરંતુ તેનું વજન માત્ર ૧૦૧ ગ્રામ છે અને તેના પ્રોપેલર એટલે કે પંખા ખુલ્લા ન હોવાથી તેનાથી કોઈને નુકસાન થવાની લગભગ કોઈ શક્યતા નથી. યુએસમાં ડ્રોનનું વજન ૨૫૦ ગ્રામથી વધુ હોય ત્યારે તેના ઉપયોગ માટે મંજૂરીઓ લેવી જરૂરી બને છે. તેમ છતાં સ્નેપચેટ કહે છે કે આ ડ્રોન ક્યાં અને ક્યારે ઊડાડવું એ બાબતો લોકલ, સ્ટેટ અને ફેડરલ કાયદાને આધિન છે.