નેપાળ પાસે 200 મેગાવોટ સરપ્લસ પાવર છે
વીજળી ખરીદવા માંગતી કંપનીએ મેગાવોટ દીઠ રૂ. 30,000ની ડિપોઝિટ ભરવાની રહેશે.
ખાનગી ગેસ કંપનીઓને વિદેશથી મોંઘા ભાવે ગેસની આયાત કરશે.
ભારતમાં વીજકટોકટીની એટલી ગંભીર બની છે કે, પડોશી દેશો ભારતને વીજળીની ઓફર કરી રહ્યા છે. હિમાલયની ગોદમાં આવેલા નેપાળે કહ્યું છે કે તેની પાસે વધારાની વીજળી છે અને ભારત ઇચ્છે તો નેપાળ વીજળી વેચવા માટે તૈયાર છે. નેપાળની સરકારી માલિકીની ઓથોરિટીએ ભારતીય કંપનીઓ પાસે ટેન્ડર મંગાવ્યા છે. નેપાળ પાસે 200 મેગાવોટ સરપ્લસ પાવર છે અને તે ભારતને વીજળી વેચવા માટે તૈયાર છે. નેપાળે કહ્યું કે ચોમાસાની સિઝનમાં તેની પાસે વધારાનો હાઈડ્રોપાવર હશે જેને તે વેચી શકે છે.નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર કુલમાન ઘિસિંગે કહ્યું કે ઓપન એક્સેસ કન્ઝ્યુમર, રેગ્યુલેટેડ યુટિટિલી, અને ટ્રેડિંગ લાઈસન્સ ધરાવતી હોય તેવી કંપનીઓ આ બિડ કરી શકે છે. નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી પાસે 364 મેગાવોટ વીજળી છે અને તેમાંથી તે 200 મેગાવોટ વીજળી સૌથી ઉંચી બિડ કરનાર કંપનીને આપવા માટે તૈયાર છે.બાકીની વીજળી ઈન્ડિયન એનર્જી એક્સચેન્જને વેચવામાં આવશે. ટેન્ડરની પ્રક્રિયા પૂરી થયા પછી પહેલી જુલાઈથી પસંદગીની કંપનીઓને નેપાળ દ્વારા વીજળી આપવામાં આવશે. તેમણે કહ્યું કે 1 જુલાઈથી 15 નવેમ્બર સુધી નેપાળ પાસે વધારાનો વીજ સપ્લાય હશે. તેથી ભારતીય કંપનીઓ તેની પાસેથી 200 મેગાવોટ વીજળી ખરીદી શકે છે.
ભારતીય કંપનીઓને નેપાળની વીજળી ખરીદવામાં રસ હોય તો તેમણે 21 દિવસની અંદર અરજી કરવાની રહેશે.હાલમાં નેપાળ ભારત પાસેથી વીજળી ખરીદે છે. પરંતુ ચોમાસામાં તેની પાસે વધારાનો હાઈડ્રોપાવર હશે જેને તે વેચી શકે છે. નેપાળની વીજળી ખરીદવા માંગતી કંપનીએ મેગાવોટ દીઠ રૂ. 30,000ની ડિપોઝિટ ભરવાની રહેશે.તાજેતરમાં દેશમાં કોલસાની અછત પેદા થવાના કારણે વીજ ઉત્પાદનને અસર થઈ છે. પરિસ્થિતિ એવી છે કે સરકારે 1100થી વધુ ટ્રેનો રદ કરીને કોલસાની હેરાફેરી પર ધ્યાન આપવું પડ્યું છે. કોરોના પછી દેશની આર્થિક પ્રવૃત્તિમાં થયેલો વધારો અને આ વખતે ગરમીના કારણે વીજળીની ડિમાન્ડમાં જોરદાર ઉછાળો આવ્યો છે.દેશમાં કોલસાના સપ્લાયને અસર ન થાય તે માટે ટ્રેનો રદ કરવામાં આવી છે. ગેસ આધારિત વીજમથકો પર ગેસનો પૂરવઠો જળવાઈ રહે તે માટે સરકારે કમર કસી છે. ખાનગી ગેસ કંપનીઓને વિદેશથી મોંઘા ભાવે ગેસની આયાત કરવાની પણ છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત ભારતમાં જે ગેસ ઉત્પાદન થાય છે તેને વીજ કંપનીઓ માટે ડાઈવર્ટ કરી દેવાયો છે.