વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધશે
8મે થી 11 મે દરમિયાન કેટલાંક રાજ્યોમાં ‘લૂ’નો પ્રકોપ દેખાશે
આંદામાન-નિકોબાર ટાપુ પર હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા
ભારતીય હવામાન વિભાગે શનિવારે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાતી તોફાન ઓડિશા અથવા આંધ્ર પ્રદેશમાં દસ્તક નહીં આપે, પરંતુ દરિયાકાંઠે સમાંતર આગળ વધશે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું હતું કે, વાવાઝોડું ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ વળશે અને ઉત્તર આંધ્ર-ઓડિશા કિનારેથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધશે. મહાપાત્રાએ કહ્યું કે, તે હવે ઉત્તર-પશ્ચિમ દિશામાં કિનારા તરફ આગળ વધી રહ્યું છે. તે 10 મેની સાંજ સુધીમાં તે દિશામાં આગળ વધવાનું ચાલુ રાખશે અને પછી ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે અને પછી દરિયાકાંઠે સમાંતર આગળ વધશે.તેઓએ કહ્યું કે, ઓડિશાના દરિયાકાંઠા પાસે સમુદ્રની સ્થિતિ 9 મે અને 10 મેના રોજ ખરાબ રહેશે અને સમુદ્રમાં પવનની ઝડપ 80થી 90 કિમી પ્રતિ કલાક સુધી વધી જશે. મહાપાત્રાએ કહ્યું કે, ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાકની આસપાસ રહેશે, જે વધીને 60 કિમી પ્રતિ કલાક થઈ જશે. પવનની મહત્તમ ગતિ 50-60 કિમી પ્રતિ કલાકની રહેશે. હવાની આ સ્થિતિ તારીખ 11મી મે સુધી રહેશે અને ત્યાર બાદ તે ઓછી થઈ જશે.ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓ – ગંજમ, ગજપતિ, ખુર્દા, જગતસિંહપુર અને પુરીમાં 10 મેની સાંજ બાદ હળવાથી મધ્યમ વરસાદ પડશે. IMDના વિશેષ બુલેટિન મુજબ, 10 મેની સાંજે કોસ્ટલ ઓડિશામાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ગજપતિ, ગંજમ અને પુરીમાં એક કે બે સ્થળોએ ભારે વરસાદ (7-11 સે.મી.) થવાની સંભાવના છે.
બીજા દિવસે ગંજમ, ખુર્દા, પુરી, જગતસિંહપુર અને કટકમાં એક કે બે જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. આથી, માછીમારોને તારીખ 9, 10 અને 11 મેના રોજ ઊંડા સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.ભારતીય હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, તારીખ 8મે થી 11 મે દરમિયાન હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના જમ્મુ વિભાગમાં ગરમીની લહેર આવવાની શક્યતા છે. તો તારીખ 10 મેથી દિલ્હીમાં હિટવેવની સ્થિતિ જોવા મળી શકે છે. એ સિવાય યુપી, બિહાર અને ઝારખંડ જેવાં રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે, પરંતુ લૂથી રાહત મળશે.દેશમાં આગામી 48 કલાક દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુ પર હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે અને કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આંદામાન સાગર અને પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં સમુદ્રની સ્થિતિ વધારે ખરાબ થઇ જશે. એ સિવાય પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળના ભાગો, તમિલનાડુ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેમજ પશ્ચિમ હિમાલય, ઓડિશા, આંધ્ર પ્રદેશ રાયલસીમા અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ થઈ શકે છે. ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ધીમે-ધીમે મહત્તમ તાપમાન વધશે, જેના કારણે વિવિધ વિસ્તારોમાં હિટવેવની સ્થિતિ સર્જાશે.