ન્યુઝીલેન્ડ હાલમાં 2 ટીમોની મેજબાની કરી રહ્યું છે. પાકિસ્તાનની પુરુષ ટીમ ન્યુઝીલેન્ડ પ્રવાસ પર T20I શ્રેણી રમી રહી છે જ્યારે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ ન્યુઝીલેન્ડની ધરતી પર T20I શ્રેણી રમવામાં વ્યસ્ત છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે 3 મેચની T20I શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે અને શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચથી ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ડાર્સી બ્રાઉન છેલ્લી મેચમાંથી બહાર થઈ ગઈ છે. ડાર્સી બ્રાઉન પારિવારિક કારણોસર ઘરે પરત ફરી છે અને હવે તેઓ ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ T20I રમી શકશે નહીં.
રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવશે નહીં
શ્રેણીની પહેલી બે મેચમાં ડાર્સી બ્રાઉને શાનદાર બોલિંગ કરી. ઓકલેન્ડમાં રમાયેલી પહેલી T20Iમાં તેણે ચાર ઓવરમાં 22 રન આપીને એક વિકેટ લીધી હતી, જ્યારે માઉન્ટ મૌંગાનુઈમાં રમાયેલી બીજી મેચમાં તેણે ચાર ઓવરમાં 23 રન આપીને બે વિકેટ લીધી હતી. બ્રાઉનની આ શાનદાર બોલિંગની મદદથી ઓસ્ટ્રેલિયા બંને મેચ જીતવામાં સફળ રહ્યું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પુષ્ટિ આપી છે કે અંતિમ મેચ માટે ટીમમાં કોઈ રિપ્લેસમેન્ટ નહીં હોય. મેગન શુટને બીજી T20I મેચમાંથી આરામ આપવામાં આવ્યો હતો અને તે છેલ્લી મેચ માટે ટીમમાં પરત ફરે તેવી શક્યતા છે.
ચાર્લી નોટ તેના ડેબ્યૂની રાહમાં
ઓસ્ટ્રેલિયાની વાઇસ-કેપ્ટન એશ્લે ગાર્ડનર પહેલાથી જ શ્રેણીમાંથી બહાર થઈ ગઈ છે. ઓકલેન્ડમાં રમાયેલી પહેલી મેચ દરમિયાન કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે તેને આંગળીમાં ઈજા થઈ હતી. તે મેચમાં તે બેટિંગ કરવા પણ આવી શકી ન હતી. આ પછી, તેને શ્રેણીની છેલ્લી બે મેચમાંથી બહાર રહેવું પડ્યું. તેમના સ્થાને, ઓલરાઉન્ડર ચાર્લી નોટને માઉન્ટ મૌંગાનુઈમાં બીજી મેચ પહેલા ટીમમાં સામેલ કરવામાં આવી હતી, પરંતુ તેમણે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો નથી.
ઓસ્ટ્રેલિયા ટી20 ટીમ: તાહલિયા મેકગ્રા (કેપ્ટન), નિકોલ ફાલ્ટમ, કિમ ગાર્થ, ગ્રેસ હેરિસ, અલાના કિંગ, ચાર્લી નોટ, ફોબી લિચફિલ્ડ, બેથ મૂની, એલિસ પેરી, મેગન સ્કટ, એનાબેલ સધરલેન્ડ, જ્યોર્જિયા વોલ, જ્યોર્જિયા વેરહામ.